ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું.
આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ નવાગામ વાસીઓને શ્રી વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, આ ગામે મને બહુ પ્રેમ આપ્યો છે, જેના થકી આજે ભારત સરકારમાં ભારત વાસીઓ માટે અને દેશ માટે ઉત્ક્રૃષ્ટ કામગીરી કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તે માટે સદૈવ ગ્રામવાસીઓનો ઋણી રહીશ. વધુમાં દેવુસિંહ ચૌહાણ એ ભારતના પોસ્ટ વિભાગની જાણકારી આપતા જણાવ્યુ કે, દેશનું સૌથી વિશ્વાસપાત્ર નેટવર્ક હોય તો તે પોસ્ટ વિભાગનો છે. પોસ્ટ વિભાગ પાસે ૪,૫૦,૦૦૦ થી વધારે કર્મચારીઓ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પોસ્ટ વિભાગ નવી યોજનાઓ સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યુ છે.
પોસ્ટ વિભાગની સિદ્ધિઓની વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે, આજે પ્રધાનમંત્રીના વિઝનથી પોસ્ટના વિશ્વાસુ નેટવર્કથી આજના સમયમાં ૫૭૪૬ નવી પોસ્ટ ઓફીસનું નિર્માણ થયુ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત પોસ્ટલ સર્કલમાં ૦૬ નવી નાની પોસ્ટ ઓફિસો અને પોસ્ટલ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સનું બાંધકામ ચાલુ છે. હેરિટેજ બિલ્ડિંગની જાળવણી માટે આઇડેન્ટિફિકેશન શરૂ કરવામાં આવી છે, અને અમદાવાદ જીપીઓ દ્વારા તેના માટે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં, સોલાર પાવર પેક માટે ૦૨ નવા ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચાલુ બજેટ વર્ષ દરમિયાન, લિંગ-સંબંધિત પ્રોજેક્ટ હેઠળ ૦૫ મહિલા શૌચાલય/ફીડિંગ રૂમની સાથે ૦૭ પોસ્ટલ બિલ્ડીંગ અને પોસ્ટ ઑફિસના નવીનીકરણના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય, નવાગામ સરપંચ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ, પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.