ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 ગ્રામજનો અને 30 જેટલા પશુઓને બચકા ભર્યા હતાં
કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લીધું હતું અને ગામના જુદા જુદા વિસ્તારોમાં ફરી 15 થી વધુ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 તેમજ ખાનગી વાહનોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ તાલુકાના વડોલ ગામમાં એક હડકાયા કૂતરાએ આખા ગામને માથે લેતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. હડકાયા કૂતરાએ ગામના જુદા જુદા વિસ્તાર જેવા કે ભાથીજી ફળિયુ, ચૌહાણ ફળિયુ, જાદવ ફળિયું અને ડાભી ફળિયામાં ઘૂસી જઈ નાના બાળકોથી લઈ મોટેરાઓને હાથ, પગ અને જાંઘના ભાગે બચકા ભર્યા હતા. ગામના ૧૫થી વધુ લોકોને આ હડકાયા કુતરાએ બચકા ભરી લીધા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 તેમજ ખાનગી વાહનોમાં કપડવંજ, બાલાસિનોર અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાનો વારો આવ્યો હતો. ગત વર્ષે પણ વડોલ ગામમાં હડકાયા કૂતરાએ 30 થી વધુ વ્યક્તિઓ અને 30 થી વધુ પશુઓને બચકા ભર્યા હતાં, ત્યારે પણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છે કે નડિયાદ સુધી ખસેડવા પડ્યા હતાં. ફરી એકવાર વડોલ ગામમાં કુતરાએ આખા ગામને માથે લેતા ગામમાં હડકંપ મચી જવા પામ્યો હતો. રક્ષાબંધનનો તહેવાર હોવા છતાં પણ ગ્રામજનો હડકાયા કુતરાના હાહાકારને પગલે ઘરમાં પુરાઈ રહ્યા હતાં. ગામમાં અન્ય ગામથી મહેમાનગતિએ આવેલા એક વ્યક્તિને પણ કુતરાએ બચકા ભર્યા હતાં.
આ અંગે ઈજાગ્રસ્ત કરણ ચૌહાણે જણાવ્યું હતું કે હું મારા ઘરેથી ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક એ હડકાયું કૂતરું આવ્યું અને મારા બંને હાથ પર વારાફરતી બચકા ભર્યા. મારે છેક બાલાસિનોર સારવાર કરાવવા માટે જવું પડ્યું.
રક્ષાબંધનનો તહેવાર હોય ગામમાં અવરજવર વધુ હતી. એક બાજુ હડકાયા કુતરાએ ગામના 15 થી વધુ લોકોને બચકા ભરી લેતા ગામમાં રક્ષાબંધનના તહેવારના દિવસે ગ્રામજનો ઘરમાં પુરાઈ રહ્યા હતા. હાડકાયા કૂતરાથી ગામમાં સન્નાટો ફેલાયો હતો.