ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક વડનગર ખાતે આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર શ્રાવણ માસના ચારેય રવિવારે યોજાયેલા ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ 53,515 પ્રવાસીઓએ હાજરી આપી હતી.
શિવ આરાધના, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, શિવ તાંડવ, હુડો રાસ, ભજન, શંખનાદ, ઘંટનાદ અને આકર્ષક લાઇટ એન્ડ સાઉન્ડ શોના કારણે વડનગર શ્રાવણોત્સવ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
શર્મિષ્ઠા તળાવના કિનારે ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ
વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર દર રવિવારે ભક્તિ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રવાસન દ્વારા સમગ્ર પરિસરને વિશેષ લાઇટિંગ અને સુશોભનથી સજાવવામાં આવ્યો હતો, જેના કારણે સાંજના સમયે શર્મિષ્ઠા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર અત્યંત આકર્ષક દેખાતો હતો.
શ્રાવણ માસની ધાર્મિક ભાવના સાથે લોકસંસ્કૃતિ, શાસ્ત્રીય સંગીત અને આધુનિક લાઇટિંગ ટેક્નોલોજીનો સમન્વય પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવતો રહ્યો.
પ્રથમ રવિવારે શિવ આરાધનાથી શ્રાવણોત્સવની શરૂઆત
શ્રાવણોત્સવનો પ્રથમ કાર્યક્રમ 16 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયો હતો. આ દિવસે ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખ-ઘંટનાદ, વૈદિક રુદ્રપાઠ, શિવ કથા અને શિવ ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી અને શર્મિષ્ઠા તળાવના ઘાટ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
બીજા રવિવારે સિતાર અને વાંસળીની પ્રસ્તુતિ બની આકર્ષણ
23 ઓગસ્ટ, 2026ના રોજ આયોજિત બીજા રવિવારના કાર્યક્રમમાં ગણેશ વંદના નૃત્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ સિતાર અને વાંસળીની સંગીતમય પ્રસ્તુતિ, ક્લાસિકલ પર્ફોર્મન્સ, ‘ભૂ શંભુ’ કાર્યક્રમ, શિવ આરતી અને શિવ સંગીત આધારિત વિવિધ રજૂઆતો યોજાઈ હતી.
શાસ્ત્રીય સંગીત અને ભક્તિ સંગીતના સમન્વયથી કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રવાસીઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંને પ્રકારનો અનુભવ મળ્યો હતો.
ત્રીજા રવિવારે હુડો રાસે જમાવ્યું આકર્ષણ
30 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા ત્રીજા રવિવારના કાર્યક્રમમાં ગણેશ વંદના બાદ વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ તથા શહેરના ઐતિહાસિક મહત્વ પર આધારિત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
શિવ સ્તુતિ, શિવ તાંડવ, ઓમકાર નાદ અને શાસ્ત્રીય સંગીત સાથે ગુજરાતની લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા તરણેતર મેળાના પ્રસિદ્ધ હુડો રાસની પણ રજૂઆત કરવામાં આવી હતી. શિવ ભજનો અને લોકસંગીતની પ્રસ્તુતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
અંતિમ રવિવારે ભવ્ય શિવ આરતી
શ્રાવણોત્સવનો ચોથો અને અંતિમ કાર્યક્રમ 6 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયો હતો.
આ દિવસે શિવ તાંડવ સ્તોત્રમ પર આધારિત પ્રભાવશાળી નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ કલાકારોએ જીવંત સંગીત સાથે શિવ ભજનો રજૂ કર્યા હતા, જેમાં નૃત્ય કલાકારોએ પણ સહભાગિતા નોંધાવી હતી.
મહોત્સવના અંતિમ ચરણમાં 11 બ્રાહ્મણો અને 14 કલાકારો દ્વારા શંખનાદ, ઘંટનાદ અને ઢોલના નાદ વચ્ચે ભવ્ય શિવ આરતી કરવામાં આવી હતી. આ આરતી સાથે સમગ્ર શર્મિષ્ઠા તળાવ પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.
ચાર રવિવારે કુલ 53,515 પ્રવાસીઓએ લીધી મુલાકાત
વડનગર શ્રાવણોત્સવમાં દર સપ્તાહે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. 16 ઓગસ્ટે 10,427 પ્રવાસીઓ, 23 ઓગસ્ટે 13,644 પ્રવાસીઓ, 30 ઓગસ્ટે 14,048 પ્રવાસીઓ અને 6 સપ્ટેમ્બરે 15,396 પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી.
આમ ચારેય રવિવાર દરમિયાન કુલ 53,515 પ્રવાસીઓ વડનગર પહોંચ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 15,474 લોકો ઉપસ્થિત રહ્યા
સાંજે યોજાતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો.
16 ઓગસ્ટે 2,573, 23 ઓગસ્ટે 3,305, 30 ઓગસ્ટે 4,330 અને 6 સપ્ટેમ્બરે 5,266 પ્રવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ ચારેય દિવસ દરમિયાન કુલ 15,474 પ્રવાસીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.
લાઇટ એન્ડ સાઉન્ડ શો બન્યો ખાસ આકર્ષણ
શ્રાવણોત્સવ દરમિયાન શર્મિષ્ઠા તળાવ અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલું આકર્ષક લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યો હતો.
લાઇટિંગ અને લેસર પ્રેઝન્ટેશનના કારણે ઐતિહાસિક પરિસરને સાંજના સમયે ભવ્ય દૃશ્યરૂપ મળ્યું હતું. ધાર્મિક કાર્યક્રમો સાથે ટેક્નોલોજી આધારિત દૃશ્ય પ્રસ્તુતિઓના સમન્વયથી પ્રવાસીઓને એક અલગ પ્રકારનો અનુભવ મળ્યો હતો.
શ્રાવણોત્સવ સાથે વડનગરની ઐતિહાસિક વિરાસતનો અનુભવ
વડનગર આવતા પ્રવાસીઓએ માત્ર શ્રાવણોત્સવ જ નહીં પરંતુ શહેરના મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
પ્રવાસીઓ માટે હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરીની સમાધિ તેમજ વડનગરના ઐતિહાસિક અને પુરાતત્વીય મ્યુઝિયમ જેવા સ્થળો મહત્વપૂર્ણ આકર્ષણ રહ્યાં હતા.
આ સ્થળો વડનગરની પ્રાચીન સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક ઓળખનો પરિચય કરાવે છે.
ગુજરાત પ્રવાસનનો સાંસ્કૃતિક ધરોહરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા શ્રાવણોત્સવનું આયોજન વડનગરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. ચારેય રવિવારે વધતી પ્રવાસીઓની સંખ્યા દર્શાવે છે કે ભક્તિ, સંસ્કૃતિ અને હેરિટેજ ટુરિઝમને જોડતા આવા કાર્યક્રમો પ્રત્યે લોકોમાં રસ વધી રહ્યો છે.
શર્મિષ્ઠા તળાવના ઐતિહાસિક પરિસરમાં યોજાયેલા શ્રાવણોત્સવે વડનગરને માત્ર ધાર્મિક સ્થળ તરીકે નહીં પરંતુ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને હેરિટેજ પ્રવાસન કેન્દ્ર તરીકે પણ રજૂ કર્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel