અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૫૫ થી વધારી ૮૬૫ આપવામાં આવશે.
સાથે-સાથે દૂધ ઉત્પાદકોને સહારો આપવા અમૂલ સંઘ દ્વારા અમૂલ દાણના ભાવમાં ૫૦ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે. અમૂલ દાણની ૭૦ કિલોની બેગ દીઠ રૂપિયા ૩૫ નો અને ૫૦ કિલોની બેગ દીઠ રૂપિયા ૨૫ નો ઘટાડો કરેલ છે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના કુલ ૭ લાખથી વધુ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે. અમૂલ દાણ ૭૦ કિલો બેગ હાલનો ભાવ ૧૫૪૦ ને નવો ભાવ ૧૫૦૫ કરવામાં આવશે.
અંતિમ ભાવની ચુકવણી
દૂધના ઉત્પાદકોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૧૦૨૮ પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચો અંતિમ ભાવ છે. આમ પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને દાણના ભાવમાં ઘટાડો કરીને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવું સુમેળભર્યું આયોજન નિયામક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે
આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂપિયા ૫૦, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ રૂપિયા ૬૦, બફેલો દાણમાં બેગ દીઠ રૂપિયા ૧૦૦, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂપિયા ૨૦૦નો પહેલાથી ઘટાડો કરવામાં આવેલ છે.