ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. ‘ટાઈગર 3’ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા પહેલેથી જ Y-પ્લસ સુરક્ષા આપવામાં આવી ચૂકી છે.
ફેસબુક પોસ્ટમાં સલમાન ખાનને આપી ધમકી
રવિવારે બિશ્નોઈએ એક ફેસબુક પોસ્ટમાં ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. ફેસબુક એકાઉન્ટનો ઓરિજન ભારતની બહારનો હતો. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, તુ સલમાન ખાનને ભાઈ માને છે પરંતુ હવે સમય આવી ગયો છે કે તારો ‘ભાઈ’ આવીને તને બચાવે. આ મેસેજ સલમાન ખાન માટે પણ છે – એવા ભ્રમમાં ન રહે કે દાઉદ તને બચાવશે, તને કોઈ બચાવી નહીં શકે.
સિદ્ધૂ મૂસેવાલાની મોત પર તમારા ડ્રોમેટિક રિએક્શન પર કોઈનું ધ્યાન ન ગયું. આપણે બધા જાણીએ છીએ કે, તે કેવા પ્રકારનો વ્યક્તિ હતો અને તેના ગુનાહિત સબંધો કેવા હતા. તું હવે અમારી રડાર પર આવી ગયો છે આ એક ટ્રેલર છે. આખી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. જે દેશમાં ભાગવું હોય ભાગી જાવો પરંતુ યાદ રાખજો કે મોત માટે વિઝાની જરૂર નથી પડતી. તે બોલાવ્યા વગર આવી જાય છે.
ગિપ્પી ગ્રેવાલે કહ્યું કે, સલમાન સાથે નથી મિત્રતા
બીજી તરફ ઘટના બાદ ગિપ્પીએ કહ્યું કે, તેની સલમાન ખાન સાથે કોઈ મિત્રતા નથી અને તેનો ગુસ્સો મારા પર કેમ કાઢવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, મારી મુલાકાત સલમાન ખાન સાથે મોજા હી મોજાના ટ્રેલર લોન્ચ દરમિયાન થઈ હતી. કારણ કે, ફિલ્મના મેકરે મને ઈનવાઈટ કર્યો હતો. અને તે પહેલા મારી મુલાકાત સલમાન સાથે બિગબોસના સેટ પર થઈ હતી.