ઇઝરાયલ- હમાસ યુદ્ધ હવે સમગ્ર ઇસ્લામિક જગત માટે એક મુદ્દો બની રહ્યું છે. આ મામલે, સઉદી અરબસ્તાન, જોર્ડન, લેબેનોન, સીરીયા અને ઈજીપ્ત જેવા દેશો, પહેલેથી જ ઇઝરાયેલને ગાઝા પર હુમલા રોકવા કહી રહ્યા છે. જ્યારે ઇરાને તો ખુલ્લી ધમકી આપી છે કે જો ગાઝા પર હુમલા બંધ નહીં થાય, તો દુનિયાભરના મુસલમાનો યુદ્ધમાં ઉતરશે અને ઇરાનના લશ્કરને દુનિયાની કોઇ તાકાત રોકી નહીં શકે. આ સાથે ઇરાનના ટોચના નેતા આયાતોલ્લાહ અલ ખામેઇનીએ સીધી ધર્મયુદ્ધની જ ધમકી આપી છે.
ઇરાનના તે વરિષ્ઠ નેતાએ ઇરાનની સરકારી ટીવી ચેનલ ઉપર દેશને કરેલાં સંબોધનમાં ધર્મયુદ્ધની સીધી ધમકી ઉચ્ચારી દીધી છે. એવું પણ જાણવા મળ્યું છે કે હમાસ અને હિજબુલ્લાહ જેવા ઉગ્રવાદી સંગઠ્ઠનોને ઇરાન પરદા પાછળ રહી મદદ કરી રહ્યું છે. તેટલું જ નહીં પરંતુ ઇઝરાયલમાં હમાસે કરેલા હુમલામાં પણ ઇરાનનો જ હાથ હતો. જો કે ઇરાને તો અસ્વીકાર કર્યો છે પરંતુ ઇઝરાયલ તો સ્પષ્ટ રીતે કહે છે કે તે હુમલા પાછળ ઇરાનનો જ હાથ હતો, તેણે તેની કિંમત ચુકવવી જ પડશે. તેટલું જ નહીં પરંતુ હમાસના ખાત્મા સુધી આક્રમણો ચાલુ બંધ ન કરવા માટે પણ ઇઝરાયલ મક્કમ છે.
વાસ્તવમાં ૭ ઓકટોબરે હમાસે ઇઝરાયલ ઉપર અચાનક અને અકારણ હુમલો કરી ૧૨૦૦ થી વધુ ઇઝરાયલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તેના જવાબમાં ઇઝરાયલે તીવ્ર હુમલા શરૂ કરી દીધા છે. અને ગાઝા પટ્ટીમાં વીજળી તથા પાણી પણ બંધ કરી દીધા છે. તેથી ઇસ્લામીક જગતમાં ઘૂંઘવાટ ફેલાઇ રહ્યો છે. જ્યારે અમેરિકા, બ્રિટન, અને ફ્રાંસ વગેરે ખ્રીસ્તી દેશોએ ઇઝરાયલને ટેકો આપ્યો છે. જ્યારે અમેરિકાએ તેના તે ગાઢ મિત્ર ઇઝરાયલને કહ્યું છે કે હમાસ પર ભલે હુમલો કરો પરંતુ પેલેસ્ટાઇની નિર્દોષ નાગરિકો માર્યા ન જાય તે જોવું. સહજ રીતે જ તે સંભવિત નથી. યુદ્ધમાં સામાન્ય જનતા પણ મારી જાય છે.