વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા અખાત્રીજ વૈશાખસુદ ૩ નું અનેરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શીખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. વૈશાખમાસમાં અસહ્ય ગરમીથી પ્રભુને ઠંડક મળી રહે તે માટે ભક્તો દ્વારા ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે. ગ્રીષ્મઋતુમાં ચંદનના વાઘા નો શણગાર એ ૪૨ દિવસનું એક પર્વ ગણાય છે. તા. ૩૦ એપ્રિલથી તા. ૧૦ જુન સુધી દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે.
વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીએ અક્ષયતૃતીયા (અખાત્રીજ) ના રોજ ચાર્જ સંભાળી વિધિવત રીતે શુભ શરૂઆત કરી હતી.
આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી સહિત વડતાલધામના સંતોએ ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. સંપ્રદાયના તીર્થધામ વડતાલ સહિત તાબાના શીખરબધ્ધ મંદિરોમાં બિરાજતા દેવોને અખાત્રીજના શુભ દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. દેવોને દરરોજ ચંદનના અવનવા શણગાર ધરાવવામાં આવે છે.
મંદિરના પૂજારીઓ દ્વારા દેવોને ચંદનનો લેપ લગાડવામાં આવે છે. બાદમાં તેને આકર્ષક ટીલડા, તોય, સુકોમેવો, કઠોળ, વિવિધ પ્રકારના ફુલોથી શણગારવામાં આવે છે. સાથે સાથે દેવોને બપોરના ૩-૩૦ કલાકે ઉત્થાપન સમયે સાકર વરીયાળીનું જળ ધરાવવામાં આવે છે. સાંજે સંધ્યા આરતી બાદ દેવોને ચઢાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે જે ચંદનની ગોટીઓ કરી હરિભક્તોને વહેચવામાં આવે છે. જેનો તેઓ બારેમાસ તિલક તરીકે ઉપયોગ કરે છે. હરિભક્તો પણ ચંદનના વાઘાની સેવાનો લાભ લઇ શકે તે માટે દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ આસી.કોઠારી પૂ.શ્યામવલ્લભસ્વામી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.