NIAની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસ એજન્સીના સૂત્રો મુજબ એજન્સી દ્વારા દિલ્હી-એનસીઆર સહિત ઘણી જગ્યાઓ પર તપાસ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. મળતા અહેવાલો મુજબ PIF મૉડ્યૂલને લઈ દરોડા પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત આતંક પર એક્શન
ઉલ્લેખનિય છે કે, પુલવામામાં સ્થાનિક પ્રશાસને જિલ્લાના ચેવા કલાં ગામમાં એક દારૂલ ઉલૂમને ધ્વસ્ત કર્યો હતો. આ જ સ્થળે માર્ચ 2022માં એક સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં 2 આતંકવાદીઓ ઠાર કર્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી 10મી ઓક્ટોબર-2023ના રોજ મોડી રાત્રે દારૂલ ઉલૂમની ઈમારતને ધ્વસ્ત કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ અને સેનાએ 2022માં 11/12 માર્ચે પણ ચેવા કલાં પુલવામાં સ્થિત દારૂલ ઉલૂમમાં એક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં કરીમાબાદને રહેવાસી આતંકવાદી આકિબ મુશ્તાક અને એક વિદેશી આતંવાદીને ઠાર કરાયો હતો. ત્યારબાદ આ કેસની તપાસ NAIએ કરી રહ્યું છે.
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક કટ્ટરવાદી સંગઠન
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક કટ્ટરવાદી સંગઠન છે અને NIAએ તેના પર પ્રતિબંધ મુકવામાટે 2017માં પણ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. NIAના કહેવા પ્રમાણે આ સંગઠન દેશની સુરક્ષા મામટે ખતરો છે. સંગઠન દ્વારા મુસ્લિમોને ધાર્મિક રીતે કટ્ટર બનાવવાના અને બળજબરથી ધર્માતંરણ કરાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી.દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોનો તેમાં વિલય કરાયો હતો. જેમાં કેરાલાના નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ, કર્ણાટકના ફોરમ ફોર ડિગ્નિટી અને તામિલનાડુના મનિથા નીતિ સંગઠનનો સમાવેશ થતો હતો. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો દાવો છે કે, દેશના 23 રાજ્યોમાં અમારૂ સંગઠન સક્રિય છે. દેશમાં જ્યારે સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ એટલે કે સીમી પર પ્રતિબંધ મુકાયો તે પછી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઝડપથી વિસ્તાર થયો હતો. દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનો ઘણો પ્રભાવ છે. આ સંગઠન બન્યુ ત્યારથી તેના પર દેશ વિરોધી ગતિવિધીઓનો આરોપ લાગતો રહ્યો છે.