યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે.
ત્યારે મંદિર પ્રસાસન દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં કોપરા, સાકરની વર્ષા કરવામાં આવતી હોય આ પૂનમે ભક્તોનો સેલાબ ઉમટતો હોય છે. ત્યારે પ્રસાદીરૂપ કોપરા, સાકરની તૈયારીઓમાં ભક્તો, સંતો સેવકો જોડાયા છે.
નડિયાદ સંતરામ મંદિરના ગાદીપતિ રામદાસજી મહારાજની નિશ્રામાં આ મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ અહીંયા મહાસુદ પૂનમે (માઘી પૂર્ણીમા)એ સમી સાંજે મહાઆરતી કરવામાં આવે છે. જે વર્ષમાં ફક્ત આ દિવસે જ થતી હોય છે. અને એ બાદ ઓમકારના ઉચ્ચારણ સાથે સાકર, કોપરાની ઉછામણી કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને આ સાકર, કોપારાને પ્રસાદીરૂપે હાથમાં ઝીલે છે. આ સમયે ‘જય મહારાજ’ ના જય ઘોષ સાથે વાતાવરણ ગૂંજી ઉઠે છે.