બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા પછી કોંગ્રેસ સહિત વિપક્ષે દેશભરમાં જાતિ આધારિત વસતી ગણતરીની માગણી શરૂ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો અને મુસ્લિમોના અધિકારો આંચકી લેવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ દેશમાં સૌથી મોટી વસતી ગરીબોની છે. દરમિયાન તેમણે કહ્યું કે, રેલવે વિભાગ આગામી કેટલાક મહિનામાં બધી જ લાઈનોનું ઈલેક્ટ્રિફિકેશન કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
છત્તીસગઢમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બસ્તરના જગદલપુરમાં એક જનસભામાં તેમણે બિહારની જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નારા પર વળતો હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ગઈકાલથી કોંગ્રેસે એક અલગ રાગ આલાપવાનું શરૂ કરી દીધું છે. તેઓ કહે છે, જેટલી વસતી તેટલો અધિકાર. હું કહું છું આ દેશમાં સૌથી મોટી કોઈ વસતી હોય તો તે ગરીબની છે. તેથી જ ગરીબ કલ્યાણ એ જ મારું ધ્યેય છે. મારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ગરીબ દલિત હોય, પછાત હોય કે ગમે તે હોય તેનું કલ્યાણ થશે તો દેશનો વિકાસ થશે.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ વસતીના આધારે ભાગીદારીની વાત કરે છે. કોંગ્રેસ હિન્દુઓને વિભાજિત કરીને દેશનું વિભાજન કરવા માગે છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કહેતા હતા કે દેશના સંશાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો અને તેમાં પણ મુસ્લિમોનો છે. પરંતુ હવે કોંગ્રેસ કહે છે કે વસતી નક્કી કરશે કે દેશના સંશાધનો પર પહેલો અધિકાર કોનો છે. તો હવે શું કોંગ્રેસ લઘુમતીઓના અધિકારો ઘટાડવા માગે છે? વસતીની દૃષ્ટિએ હિસાબ થવાનો હોય તો પહેલો હક કોનો હોવો જોઈએ? કોંગ્રેસ સ્પષ્ટતા કરે. શું સૌથી મોટી વસતીવાળા હિન્દુઓએ આગળ આવવું જોઈએ અને પોતાના બધા જ અધિકારો લઈ લેવા જોઈએ?
પીએમ મોદીએ છત્તીસગઢમાં રૂ. ૨૭,૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું અને પરિવર્તન સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે બસ્તરમાં એક સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું, કોંગ્રેસે વર્ષો સુધી બસ્તરની ઉપેક્ષા કરી છે. તેમણે ક્યારેય રાજ્યના લોકોના હિતો અંગે વિચાર્યું નથી. ભાજપે અહીં વિકાસના કામ કર્યા છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપ અહીંના આદિવાસીઓને પાંચ ગણુ બજેટ આપે છે.
દરમિયાન તેલંગણામાં તેમણે કહ્યું કે, ભારતીય રેલવે મંત્રાલય આગામી કેટલાક મહિનામાં બધી જ લાઈનોના ૧૦૦ ટકા ઈલેક્ટ્રિફિકેશન એટલે કે વિદ્યુતિકરણના આશય સાથે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તેલંગણાના નિઝામબાદમાં રૂ. ૮,૦૦૦ કરોડથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય પીએમ મોદીએ એનટીપીસીના તેલંગણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પહેલા તબક્કાના પહેલા ૮૦૦ મેગાવોટ યુનિટનું ઉદ્ધાટન કર્યું હતું.