દેશની બહાર રહેતાં ભારતીયો માટે મતદાનના અધિકારના પ્રસ્તાવ પર એક ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિએ સમર્થન દર્શાવ્યું છે. સમિતિએ તેના માટે ઈલેક્ટ્રોનિક બેલેટ તથા પ્રોક્સી વોટિંગ જેવા વિકલ્પોની ભલામણ કરી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ દેશની બહાર રહેતાં ભારતીય નાગરિકોને લોકતંત્રની પ્રક્રિયાનો ભાગ બનાવવાનો છે. હાલ આ પ્રસ્તાવ કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે.
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ આજે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં NRIની વ્યાખ્યાને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારના જુદા-જુદા કાયદામાં તેનો અર્થ જુદી-જુદી રીતે દર્શાવવામાં આવ્યો છે.
મત આપવા વિદેશથી આવવુ પડશે નહીં
સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં રજૂઆત કરી છે કે, વર્તમાન નિયમોને આધિન NRIનું નામ મતદાન યાદીમાં હોવા છતાં તેણે મત આપવા માટે શારીરિક રૂપે ભારતમાં આવવુ પડે છે. સમિતિએ તેના પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, મોટી સંખ્યામાં NRI ભારતની નાગરિકતા છોડી ચૂક્યા છે, અથવા તો ડબલ સિટિઝનશીપ ધરાવે છે. જેના આધાર પર તેમની ચૂંટણીમાં ભાગીદારી નક્કી કરવી જોઈએ. જેમાં તેઓ ઈ-બેલેટ તથા પ્રોક્સી વોટિંગની મદદથી વિદેશમાં બેઠા-બેઠા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે.
વિદેશ મંત્રાલયને કરી અપીલ
ભારતની બહાર રહેતાં NRIના વોટિંગનો મામલો હાલ કેન્દ્રીય કાયદા મંત્રાલય પાસે પેન્ડિંગ છે. પરંતુ વિદેશી બાબતોની સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે, તે કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચ સાથે મળી આ મુદ્દે સક્રિયપણે કામગીરી કરે. સમિતિએ ઈલેક્ટ્રોનિક વોટિંગ અને પ્રોક્સી વોટિંગ જેવી સંભાવનાઓ પર વિચાર કરવા પણ કહ્યું છે. જો કે, સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, તેના માટે કલમ 1950 હેઠળ બનાવવામાં આવતાં જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સંશોધન કરતાં રાજકીય પક્ષો સાથે વિચારણા કરવી જોઈએ.
NRIનો મતદાનમાં હિસ્સો નજીવો
વર્ષ 2010ના જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 1950 (20) (એ)માં સંશોધન કરતાં NRIને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં માત્ર 2958 NRIએ ભારતમાં આવી મતદાન કર્યુ હતું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ NRI મતદાર તરીકે રજિસ્ટર્ડ હતાં. શારીરિક રૂપે હાજરીના કારણે મતદાન પ્રમાણ ઓછું હોવાની વાતને સમર્થન આપતાં સંસદીય સમિતિએ ઈ-બેલેટ અને પ્રોક્સી વોટિંગને પ્રાધાન્ય આપ્યું છે.