2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્ટી સહીત તમામ પાર્ટીના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે.
બિહારના સીએમ નીતિશ કુમારે 23 જૂને પટનામાં પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારના વટહુકમ સામે કોંગ્રેસના વલણને લઈને નારાજગી વ્યક્ત હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ તેમને સમર્થન નહીં આપે તો તેઓ બીજી બેઠકમાં ભાગ નહીં લેશે.
નવી 8 પાર્ટીઓને આમંત્રણ મોકલાયું
પટનામાં યોજાયેલી બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ વખતે વિપક્ષને વધુ મજબૂત કરવા વધુ 8 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં મરુમલારચી દ્રવિડ મુનેત્ર કડગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથિઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ)એ સહમતિ દાખવી છે. આ નવા પક્ષોમાંથી કેડીએમકે અને એમડીએમકે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સાથી હતા.
ખડગેએ પત્ર લખીને આમંત્રણ મોકલ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટોપ અપોઝિશન લીડર્સને આગામી બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે પત્ર લખીને નેતાઓને 23 જૂને પટનામાં બિહારના સીએમ નીતિશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેમની ભાગીદારી વિશે યાદ અપાવ્યું હતું.
પટનાની બેઠકમાં 17 પાર્ટીઓ સામેલ થઈ હતી
વિપક્ષી એકતાની પ્રથમ બેઠક 23 જૂને પટનામાં યોજાઈ હતી. જેમાં 17 થી વધુ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી હતી. જેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિત ઘણા નેતાઓ સામેલ થયા હતા.