પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર બિનહરીફ ચૂંટાયા છે.
PTIના મુખ્ય ચૂંટણી કમિશનર નિયાઝુલ્લા નિયાઝીએ પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આજે યોજાયેલી ચૂંટણી બાદ બેરિસ્ટર ગૌહર બિનહરીફ ચૂંટાયા છે. નિયાઝીએ કહ્યું કે ઉમર અયુબ ખાનને PTIના કેન્દ્રીય મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે અલી અમીન ગંડાપુર અને ડો. યાસ્મીન રાશિદને અનુક્રમે ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં પાર્ટીના પ્રાંતીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ ઘટનાક્રમ પાકિસ્તાન ચૂંટણી પંચ (ECP)ના નિર્દેશો અનુસાર થયો હતો. ત્યારબાદ પાર્ટીએ આજે ચૂંટણી યોજી હતી. કેન્દ્રીય મતદાન કેન્દ્ર પેશાવરના રાનો ગઢીમાં મોટરવે ટોલ પ્લાઝા પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતું જ્યાં ખૈબર પખ્તુનખ્વાના પ્રમુખ અધિકારી અલી ઝમાન પહોંચ્યા હતા.’
ઝમાને પાકિસ્તાની મીડિયાસાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ચૂંટણી માટે નોંધાયેલા મતદારોની સંખ્યા 2 કરોડથી વધુ છે. ઝમાને આગળ કહ્યું કે, પેશાવરમાં ચૂંટણી કેન્દ્ર પર ઓનલાઈન એપ અને બેલેટ પેપર દ્વારા વોટ આપી શકાય છે.