કરમસદ ખાતે બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પહાર અર્પણ કરીને સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ, બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરીજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી હતી. જે કરમસદમાં વિઠ્ઠલભાઈની પ્રતિમાએ પહોંચીને ત્યાં પુષ્પહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ સૌ કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સરદાર પટેલે જે રીતે દેશને આઝાદી અપાવી, તે રીતે તેમના વતન કરમસદને પણ સ્વતંત્ર રાખવું જોઈએ. અગાઉ આ મુદ્દે ગામેરું અને એક દિવસના બંધનું એલાન કરાયું હતું. મહંત મોરારીદાસ મહારાજે જણાવ્યું હતું કે, કરમસદ એ સરદાર પટેલના નામ સાથે જોડાયેલા ગામનું નામ છે. તેના વિકાસ કરવામાં અમારો સહયોગ છે પરંતુ કરમસદનું નામ ભૂંસાય તે યોગ્ય નથી. વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બનાવી સરદાર સાહેબનું નામ અમર કર્યુ હોય તો, ગામનું નામ ભૂંસવાની શું જરુર છે. આ સરકારે વિચારવા અને સમજવા જેવું છે. આ પ્રસંગે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, કરમસદના હોદ્દેદારો, સભ્યો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.