વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે ઈજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નીલ’થી સન્માન કરવામાં આવ્યું હતું. ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સીસીએ ભારતના વડાપ્રધાનને આ સન્માન બંને નેતાઓની દ્વિપક્ષીય બેઠક પહેલાં આપ્યું હતું. બેઠક સમયે બંને નેતાઓએ ચાર મહત્વપૂર્ણ સમજૂતીઓ અને કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારત અને ઈજિપ્ત વચ્ચે ‘વ્યૂહાત્મક ભાગીદારી’ પરનો કરાર મહત્વપૂર્ણ અને સિમાચિહ્નરૂપ છે. આ સાથે મોદી બે રાષ્ટ્રોનો પ્રવાસ પૂરો કરી ભારત પરત ફર્યા છે.
પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સિસિના આમંત્રણથી ઈજિપ્ત પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૧૯૯૭ પછી ઈજિપ્તની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સિસિએ વડાપ્રધાન મોદીનું ઈજિપ્તાના સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ નીલ’થી સન્માન કર્યું હતું. વર્ષ ૧૯૧૫માં શરૂ કરાયેલ સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ નીલ’ ઈજિપ્ત અથવા માનવતાની સેવા કરનારા વિવિધ દેશોના વડા, ક્રાઉન પ્રિન્સ અને ઉપપ્રમુખોને અપાય છે. પીએમ મોદીનું ૧૩મું સર્વોચ્ચ રાજકીય સન્માન છે.
بتواضع كبير أقبل "قلادة النيل". وأشكر حكومة وشعب مصر على هذا التكريم الذي يدل على دفء المشاعر والمودة التي يكنونها تجاه الهند وشعب أمتنا. pic.twitter.com/gZcpzaOQCW
— Narendra Modi (@narendramodi) June 25, 2023
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી હતી કે,બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠકમાં વેપાર અને રોકાણ, વૈકલ્પિક ઊર્જા, હરિત હાઈડ્રોજન, ઈન્ફર્મેશન ટેક્નોલોજી, ડિજિટલ લેવડ-દેવડના મંચ, દવા તથા લોકો વચ્ચેના સંપર્ક સહિત અને ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદી અને પ્રમુખ ફતેહ અલ સિસિએ વન-ઓન-વન ચર્ચા કરી હતી, જેમાં દ્વિપક્ષીય સહકાર વધારવા અને પ્રદેશ તથા વિશ્વની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે.
આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ કૈરોમાં સ્થિત ઈજિપ્તની ૧૧મી સદીની ઐતિહાસિક અલ-હાકિમ મસ્જિદનો પ્રવાસ કર્યો હતો. આ મસ્જિદનો ભારતના દાઉદી વોરા સમાજની મદદથી જિર્ણોદ્ધાર કરાયો છે. ઈજિપ્તના રાજકીય પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી ઐતિહાસિક મસ્જિદની મુલાકાત કરી હતી. તેમણે મસ્જિદની દિવાલો અને દરવાજાઓ પર કરાયેલા જટિલ નકશીકામની પ્રશંસા કરી હતી. અલ હાકિમ મસ્જિદ કાહિરાની ચૌથી સૌથી જૂની મસ્જિદ છે.
આ સિવાય વડાપ્રધાન મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશરો માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપી હતી. આ કબ્રસ્તાનમાં હેલિયોપોલિસ સ્મારક છે. આ હેલિયોપોલીસ પોર્ટ તૌફિક સ્મારક લગભગ ૪,૦૦૦ ભારતીય સૈનિકોને સમર્પિત છે, જેમણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઈજિપ્ત અને પેલેસ્ટાઈનમાં લડતા જીવ ગુમાવ્યા હતા.