ભાદરવી પૂર્ણિમાને લઈ શામળાજી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. ભક્તો ચૌદશની બપોર બાદ જ આસપાસના જિલ્લા અને વિસ્તારમાંથી પદયાત્રા કરીને શામળાજી તરફ પ્રયાણ કરતા હોય છે. અરવલ્લી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ભક્તો શામળાજી તરફ પગપાળા નિકળીને કાળીયા ઠાકોરના દર્શન કરતા હોય છે. વર્ષોથી આ પરંપરા મુજબ ભક્તો અનંત ચૌદશની રાત્રી દરમિયાન શામળાજી જવા પગપાળા નિકળતા હોય છે. જેને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવતી હોય છે.
સતત બીજા વર્ષે અરવલ્લી પોલીસ દ્વારા મોડાસાથી શામળાજી સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ વોક આયોજન સતત બીજા વર્ષે યોજવામાં આવ્યુ હતુ. દિવસે ઈદ અને ગણેશ વિસર્જનનો બંદોબસ્ત કરવા બાદ પણ પોલીસે નાઈટ વોક કરી હતી. અરવલ્લી SP શૈફાલી બરવાલે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી નાઈટ વોકનુ પ્રસ્થાન ગુરુવાર રાત્રે કરાવ્યુ હતુ. SP બરવાલ પણ નાઈટ વોકમાં જોડાયા હતા.