ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના હલ્દ્વાનીમાં ગુરુવારે સાંજે તોફાનીઓએ પૂર્વયોજિત તોફાનો સર્જ્યાં હતાં. તોફાનીઓએ ઘરની છત ઉપર જથ્થાબંધ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ એકઠા કરી રાખ્યા હતા. આશ્ચર્યજનક રીતે આ પૂર્વયોજિત કાવતરા અંગે સ્થાનિક પોલીસ કે ગુપ્તચર સંસ્થાઓને જાણ સુધ્ધાં થઈ નહોતી. અને એટલે પોલીસ અને વહીવટીતંત્રની ટીમ વનભૂલપુરા પહોંચી ત્યારે તોફાનીઓએ ટીમને ઘેરી લીધી હતી.
પથ્થરમારો કર્યા પછી આગચંપીની ઘટનાઓ વચ્ચે તોફાનીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. બચાવમાં પોલીસે પણ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં 5 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તોફાનમાં 300થી વધુ પોલીસકર્મી અને મીડિયાકર્મી પણ ઘવાયા હતા. વનભૂલપુરા પોલીસ મથક વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે.
નોંધનીય છે કે ગુરુવારે સરકારી જમીન પર ગેરકાયદે રીતે ઊભી કરી દેવાયેલી મસ્જિદ અને મદરેસા તોડી પાડવા પહોંચેલી પોલીસ ટીમ ઉપર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. સ્થિતિ ડહોળાવા લાગતાં મોડી સાંજે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તોફાનીઓને દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો હતો.
મેદાનની ચારેકોર વસ્તી, પોલીસને વચ્ચે ઘેરી લીધી
વનભૂલપુરામાં પોલીસ ટીમ બહુ ઓછાં સાધનો સાથે પહોંચી હતી. છમકલાં પછી એસડીએમએ અશ્રુવાયુના શેલ છોડવાનો આદેશ કર્યો ત્યારે પોલીસ પાસે અશ્રુવાયુ છોડવા માટેની ગન તો નહોતી જ પરંતુ ગોળીઓ પણ નહોતી. એટલું જ નહીં, રબરની ગોળીઓ પણ બહુ ઓછી હતી. ઓછાં સાધનો હોવાથી તોફાનીઓ પોલીસ પર તૂટી પડ્યા. જે મેદાનમાં આ ઘટના ઘટી ત્યાં ચારેકોર એકથી વધુ માળની વસાહતો છે.
મેદાન સુધી પહોંચવા માટે વસ્તીની વચ્ચે આવેલી સાંકડી ગલીમાં જ પોલીસ અને તંત્ર ઘેરાઈ ગયા હતા. તોફાનીઓએ ચારેકોરથી છત પરથી ભારે પથ્થરમારો કર્યો હતો. ઘવાયેલા પોલીસ અને મીડિયાકર્મીઓને વાહનો છોડીને ભાગવું પડ્યું હતું. તોફાનીઓએ એ વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.
30 જાન્યુઆરીએ દબાણનો સરવે કરાયો ત્યારે પથ્થર-પેટ્રોલ બૉમ્બ નહોતા
જિલ્લા કલેક્ટર વંદનાસિંહ ચૌહાણે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે 30 જાન્યુઆરીએ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ટીમ વનભૂલપુરામાં દબાણનો સરવે કરવા પહોંચી હતી. એ સમયે કોઈ પણ છત ઉપર પથ્થરો નહોતા. છતો પર પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ હોવાનું અત્યારની તપાસમાં બહાર આવ્યું છે. હાઈકોર્ટના આદેશને પગલે કેટલાય મહિનાઓથી દબાણ દૂર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે અને આ કોઈ ચોક્કસ સમાજ માટે નથી.
બરેલીમાં તંગદિલી, મૌલાનાનું જેલભરો આંદોલન…
હલ્દ્વાનીની ઘટનાની યુપીના બરેલીમાં વિરોધ થયો હતો. પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લતના પ્રમુખ મૌલાના તૌકીર રઝા ખાનની ધરપકડ કર્યા પછી મુક્ત કર્યા હતા. મૌલાનાએ લોકોને પણ જેલભરો આંદોલન માટે અપીલ કરી હતી. ત્યાર પછી સાંજ સુધીમાં બરેલીમાં ભારે ભીડ એકઠી થઈ હતી.