વડાપ્રધાન મોદી દર મહિને તેમના રેડિયો પોડકાસ્ટ ‘મન કી બાત’માં દેશવાસીઓને કોઈને કોઈ પ્રેરણાદાયી (PM Modi Man Ki Baat) સંદેશ આપતા હોય છે. ગઈ કાલે ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા (Obesity) સામે અભિયાન ચલાવવા અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થૂળતાના કેસ બમણા થઇ ગયા છે. તેમણે લોકોને ખોરાકમાં તેલ ઓછું વાપરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે આ એપિસોડ પછી, તેઓ 10 લોકોને નોમિનેટ કરી અપીલ કરશે કે તેઓ ખાદ્યતેલના વપરાશમાં 10 ટકાનો ઘટડો કરે. આ અપીલના બીજા જ દિવસે, વડાપ્રધાન મોદી 10 લોકોને નોમિનેટ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટમાં લખ્યું, ‘ગઈકાલના મન કી બાતમાં જણાવ્યા મુજબ, હું સ્થૂળતા સામેની લડાઈને આગળ વધારવા માટે અને ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેના લોકોને નોમિનેટ કરી રહ્યો છું. હું તેમને 10-10 લોકોને નોમિનેટ કરવા અપીલ કરું છું, જેથી આપણું આ આંદોલન વિશાળ બને.’
As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4
— Narendra Modi (@narendramodi) February 24, 2025
વડાપ્રધાને આ લોકોને નોમીનેટ કર્યા:
વડાપ્રધાન મોદીએ આનંદ મહિન્દ્રા, નિરહુઆ (દિનેશ લાલ યાદવ), મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, મોહનલાલ, નંદન નીલેકણી, ઓમર અબ્દુલ્લા, માધવન, શ્રેયા ઘોષાલ અને સુધા મૂર્તિને નોમિનેટ કર્યા છે. આ સાથે તેમણે આ બધા લોકોને 10-10 લોકોને નોમિનેટ કરવા અપીલ કરી.
ઓમાર અબ્દુલ્લાએ આનંદ વ્યક્ત કર્યો:
આ કાર્ય માટે વડાપ્રધાન દ્વારા નોમિનેટ કરવામાં આવતા જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમાર અબ્દુલ્લાએ આનંદ વ્યક્ત કર્યો.
તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થૂળતા વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં જોડાવાનો મને ખૂબ આનંદ છે. સ્થૂળતાને કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે, જેમ કે હૃદય રોગ, ટાઇપ 2 ડાયાબિટીસ, સ્ટ્રોક અને શ્વાસ લેવામાં તકલીફ, તેમજ ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય. આજે હું આ 10 લોકોને સ્થૂળતા સામેના વડા પ્રધાનના અભિયાનમાં જોડાવા માટે નોમિનેટ કરી રહ્યો છું અને તેમને આ લડાઈને આગળ વધારવા માટે 10-10 લોકોને નોમિનેટ કરવા વિનંતી કરું છું.’
I’m very happy to join the campaign against obesity launched by PM @narendramodi ji. Obesity causes a number of lifestyle related health issues like heart disease, type 2 diabetes, strokes & breathing problems not to mention mental health conditions like anxiety & depression.…
— Omar Abdullah (@OmarAbdullah) February 24, 2025
વડાપ્રધાનને ચિંતા વ્યક્ત કરી:
વડાપ્રધાનને ગઈ કાલે મન કી બાત દરમિયાન કહ્યું, “એક અભ્યાસ મુજબ, આજે દર આઠમાંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થૂળતાના કેસ બમણા થયા છે, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોમાં પણ સ્થૂળતાની સમસ્યા ચાર ગણી વધી છે. આપણે નાના પ્રયત્નોથી આ પડકારનો સામનો કરી શકીએ છીએ. એક રીત એવી પણ છે કે ખાદ્ય તેલનો વપરાશ 10% ઘટાડી શકાય. તમે નક્કી કરી શકો છો કે રસોઈ માટે તેલ ખરીદતી વખતે, તમે 10% ઓછું તેલ ખરીદશો.”