અત્યારના સમયમાં દેશમાં ટ્રેન વીજળી અને ડીઝલ એન્જિનથી ચાલી રહી છે. ભવિષ્યમાં પરિવર્તન જોવા મળી શકે છે. વાસ્તવમાં, વીજળીથી સંચાલિત એન્જિનના સ્થાને હાઇડ્રોજનથી ચાલતાં એન્જિન વિકસિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
સંસદના બજેટ સત્રમાં રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે ટૂંક સમયમાં હાઇડ્રોજન ઇંધણ સેલનો ઉપયોગ કરીને ટ્રેન ચલાવવામાં સફળ થઈશું. સંસદમાં એક સવાલના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે અમે આ ઇનોવેટિવ પ્રોજેક્ટને લઇને ઉત્સુક છીએ. અત્યારે તેનો પાઈલટ પ્રોજેક્ટ તરીકે પ્રયોગ કરાઇ રહ્યો છે. હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ ટેક્નોલોજીથી બનતી ટ્રેનોનું ઉત્પાદન ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઇમાં કરાશે.
વૈષ્ણવે કહ્યું કે હાઇડ્રોજન સંચાલિત ટ્રેન પ્રોજેક્ટ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશનના સમાધાનના ક્ષેત્રમાં એક ઉલ્લેખનીય પ્રગતિનું પ્રતીક છે. આ પ્રોજેક્ટ સરકારના ગ્રીન એનર્જી લક્ષ્યને પૂરું કરવાની દિશામાં અત્યાધુનિક ટેક્નિકને અપનાવવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રેલવે ઝીરો કાર્બનના લક્ષ્ય પર કામ કરે છે
ભારતીય રેલવે 2030 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા માટે નવી ટેક્નિક પર કામ કરી રહ્યું છે. રેલવે બ્રિજ અને સ્ટાર રેટિંગ કરવા ઉપરાંત રેલવે ટ્રેનોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવા પર પણ કામ કરી રહ્યું છે, જેથી ટ્રેનોને સમયસર ચલાવી શકાય અને ઇંધણની પણ બચત થાય.
ડ્રોન પાઈલટ તાલીમ માટે હૈદરાબાદમાં પોર્ટ બનાવાશે
તેલંગાણા સરકાર ડ્રોન પાઈલટોને તાલીમ આપવા માટે હૈદરાબાદમાં ડ્રોન પોર્ટ બનાવવા જઇ રહી છે. રાજ્યની એવિયેશન એકેડમીએ ડ્રોન પાઈલટોની ઉચ્ચ તાલીમ માટે ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર સાથે સમજૂતી કરી છે. તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ તેની જાહેરાત કરી છે. આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય પાઈલટ તાલીમની વધતી માંગને સંબોધિત કરવાનો તેમજ ડ્રોન નિર્માણ કંપનીઓ માટે ટેસ્ટિંગની સુવિધા પ્રદાન કરવાનો છે. અહીં પાઈલટોને ડેટા વિશ્લેષણ, ડેટા પ્રોસેસિંગ તેમજ મેપિંગનો અભ્યાસ કરાવાશે.