દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદે ગરમીનો પારો 55 ડિગ્રીને પાર થઈ ગયો છે. જો કે, અંગ દઝાડતી આવી ગરમીમાં પણ સરહદે ભારતીય સેનાના જવાનોનો ‘જોશ હાઈ’ છે. અહીંની 464 કિ.મી. લાંબી સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના પુરુષ અને મહિલા જવાનો ફરજ નિભાવી રહ્યા છે.
સરહદી વિસ્તારોમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ છે
ભારત-પાક સરહદે પારો 55 ડિગ્રીને પાર
છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સરહદે તાપમાન માપતા યંત્રો પર ગરમીનો પારો 55થી 56 ડિગ્રી દેખાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે જ્યારે તે 56 ડિગ્રી સુધી પહોંચે છે, ત્યારે આ તાપમાન માપવાનું ઉપકરણ પણ બંધ થઈ જાય છે અને તાપમાનને બદલે ડિસ્પ્લે કાળી પડી જાય છે. અહેવાલ અનુસાર, આટલી ભયંકર ગરમી છેલ્લા 100 વર્ષમાં ક્યારેય નથી આવી. સરહદ પર બીએસએફ કેમ્પની અંદર પણ તાપમાન 53 થી 54 ડિગ્રીની આસપાસ છે.
ભારત-પાકિસ્તાન સરહદ નજીક મુરાર પોસ્ટ પર એવી ગરમી છે કે જાણે જ્વાળાઓ વરસી રહી હોય. પરંતુ આટલી આકરી ગરમી છતાં જવાનો દેશની સુરક્ષામાં તહેનાત છે. સરહદ પર તહેનાત જવાનોનું કહેવું છે કે, ‘રેતી એટલી ગરમ થઈ જાય છે કે તેના પર ચાલતી વખતે જૂતાના તળિયા ઓગળી જાય છે.’
કાળઝાળ ગરમીમાં મહિલા જવાનો ફરજ નિભાવી રહ્યા છે
કાળઝાળ ગરમીમાં બીએસએફની મહિલા જવાનો પણ ખૂબ જ સારી રીતે દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સરહદ પર તાપમાન 50થી 52 ડિગ્રીથી ઉપર રહે છે, આ કાળઝાળ ગરમીમાં મહિલા જવાનોને ગરમી અને તાપમાનથી પોતાને બચાવવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને હંમેશા લીંબુ અને ડુંગળી સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે.
રાજસ્થાનના આ જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર
રાજસ્થાનના જેસલમરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી, બાડમેર 48 ડિગ્રી, જાલોર 47 ડિગ્રી, જોધપુર 48 ડિગ્રી, ગંગાનગર 47 ડિગ્રી, કોટા 46 ડિગ્રી, ચિત્તૌડગઢ 45 ડિગ્રી, બીકાનેર 47 ડિગ્રી, ભીલવાડા 45 ડિગ્રી, ફતેહપુર 45 ડિગ્રી અને જયપુરમાં 47 ડિગ્રી તાપમાન રહે છે.