વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. નાણાકીય વર્ષ 2024-2025 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) દર 6.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ખરીફ અને રવિ પાક માટે સકારાત્મક નિર્દેશ
મોંઘવારીના સૂચકાંક માટે પણ આરબીઆઈએ સકારાત્મક નિર્દેશ કર્યો છે. બમ્પર ખરીફ પાક અને રવિ પાકને કારણે આગામી મહિનામાં ખાદ્યાન્નના ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. આમ છતાં હવામાનમાં થનારા ફેરફારને કારણે જોખમોનું નિર્માણ થઈ શકે છે. આ ઉપરાંત, ભૌગોલિક રાજકીય સંઘર્ષો વૈશ્વિક સપ્લાય ચેઈન અને કોમોડિટીના ભાવો પર દબાણ લાવી શકે છે.
અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારાની અપેક્ષા
વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ડોમેસ્ટિક ડિમાન્ડમાં સુધારાને કારણે દેશના જીડીપી દરમાં સ્થિરતા રહેવાની સંભાવના છે. વૃદ્ધને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસર થઈ શકે છે.
આર્થિક વિકાસદર 6.6 ટકાને દરે રહી શકે
આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા દર્શાવે છે, જેથી વિકાસદર 6.6 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. સરકારી વપરાશ અને ગ્રામીણ વિસ્તારોમાં રોકાણ અને સેવામાં સુધારો થઈ શકે છે.
ગ્રોસ નોન-પર્ફોર્મિગ એસેટ્સનો રેશિયો પણ ઘટયો
નફામાં વૃદ્ધિ, નોન-પરફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો, પર્યાપ્ત મૂડી તેમ જ રોકડ અનામતને કારણે SCB (શેડયૂલ્ડ કમર્શિયલ બેંકો) બેંકો પણ સારી સ્થિતિમાં છે. આ ઉપરાંત, રિટર્ન ઓન એસેટ્સ (આરઓએ) અને રિટર્ન ઓન ઈક્વિટી (આરઓઈ) પણ દાયકાના સૌથી ઊંચા સ્તરે છે, તેનાથી વિપરીત ગ્રોસ નોન-પર્ફોર્મિગ એસેટ્સનો રેશિયો પણ ઘટી રહ્યો છે. વિસ્તૃત અહેવાલમાં જણાવ્યું છે કે મોટા ભાગની એસસીબી પાસે પર્યાપ્ત માત્રામાં વધારાની મૂડી ઉપલબ્ધ છે.