સતત વધી રહેલા ફ્રોડને રોકવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. RBIએ બેન્કોને કહ્યું કે, ગ્રાહકોને લેવડ-દેવડ માટે કૉલ કરવા ફક્ત ‘1600’ ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો. જો બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓ પ્રમોશનલ હેતુઓ માટે ગ્રાહકોને ફોન અથવા SMS કરે તો તેમણે ‘140’ ફોન નંબર સીરિઝનો ઉપયોગ કરવો જોઈએ.
RBIનું માનવું છે કે, આનાથી નાણાકીય છેતરપિંડી પર અંકુશ આવશે. આ ઉપરાંત RBIએ બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને તેમના ગ્રાહક ડેટાબેઝનું નિરીક્ષણ કરવા અને બિનજરૂરી ડેટા હટાવી દેવા માટે જણાવ્યું છે.
RBIએ સર્ક્યુલર જારી કર્યું
બેન્કોને જારી કરાયેલા એક સર્ક્યુલરમાં RBIએ યોગ્ય ચકાસણી પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા અને રદ કરાયેલા મોબાઈલ નંબરો સાથે જોડાયેલા ખાતાઓનું નિરીક્ષણ વધારવા જણાવ્યું છે જેથી લિંક કરેલા ખાતાઓને ફ્રોડમાં સામેલ થવાથી રોકી શકાય.
31 માર્ચ પહેલા માનવા પડશે નિર્દેશ
RBIએ 31 માર્ચ 2025 પહેલા નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું છે. RBI એ કહ્યું છે કે, ડિજિટલ વ્યવહારોના પ્રસારથી ગ્રાહકોને સુવિધા મળી છે પરંતુ તેનાથી છે ફ્રોડમાં પણ વધારો થયો છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે અને તેની સામે ઠોસ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
અન્ય એક સર્ક્યુલરમાં RBIએ તમામ બેન્કોને બધા હાલના અને નવા ખાતાઓ અને લોકર્સમાં નોમિની સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં કોઈ નોમિની નથી. નોમિની સુવિધાનો ઉદ્દેશ્ય ખાતાધારકના મૃત્યુ પર પરિવારના સભ્યોને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો અને દાવાઓનું ઝડપી સમાધાન સુનિશ્ચિત કરવાનો છે.
વધુમાં RBIએ કહ્યું કે, ગ્રાહકોને નોમિનેશન સુવિધાનો લાભ લેવા માટે બેંકો ખાતું ખોલવાના ફોર્મમાં યોગ્ય સુધારા કરી શકે છે. બેન્કો અને NBFC એ પણ બેન્ક ખાતાઓમાં નોમિની સુનિશ્ચિત કરવા માટે અભિયાન શરૂ કરવું જોઈએ.