બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા નેતાને પસંદ કર્યા છે. પછી જયારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા. પહેલી વાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. સૌથી રસપ્રદ વાત એ છે કે ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માએ જ રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને ભાજપના તમામ ધારાસભ્યોએ પ્રસ્તાવને વધાવી લીધો.
#WATCH | Delhi: Visuals from outside Ramlila Maidan where CM designate Rekha Gupta will take oath today.
She is set to become the fourth woman CM of Delhi after Sushma Swaraj, Sheila Dixit, and Atishi. pic.twitter.com/NUqjsJeDk9
— ANI (@ANI) February 20, 2025
હવે રેખા ગુપ્તા આજે 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડ, દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ અને અન્ય લોકો સાથે, રેખા ગુપ્તા ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેઓ અને તેમના કેબિનેટ મંત્રીઓ ગુરુવારે રામલીલા મેદાનમાં શપથ લેશે.
સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ કર્યા પછી, તેઓ મમતા બેનર્જી સાથે દેશના બીજા મહિલા મુખ્યમંત્રી હશે. ઉપરાંત, તેઓ હાલમાં ભાજપ શાસિત રાજ્યોમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હશે. ભાજપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે કે નહીં તે અંગે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી મંત્રીમંડળમાં તમામ સમુદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
ગુરુવારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન મોદી, તેમના કેબિનેટ સાથીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત લગભગ 50,000 લોકો હાજરી આપશે. આ કાર્યક્રમ માટે શહેરના મધ્ય, ઉત્તર અને નવી દિલ્હી વિસ્તારોમાં 25,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
પરિણામોના 11 દિવસ પછી નક્કી થયું કે કોણ બનશે મુખ્યમંત્રી
બુધવારે કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડની હાજરીમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપના તમામ 48 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ હાજરી આપી હતી. રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પ્રવેશ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાય દ્વારા મૂકવામાં આવ્યો હતો. 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 11 દિવસ પછી, આ જાહેરાત કરવામાં આવી. જાહેરાત પછી તરત જ, રેખા ગુપ્તાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ દિલ્હીના દરેક રહેવાસીના કલ્યાણ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રામાણિકતા, નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરશે.
લગભગ 30 હજાર મતોથી મેળવી જીત
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં રેખા ગુપ્તાએ શાલીમાર બાગ બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારને લગભગ 30 હજાર મતોથી હરાવ્યા હતા. તેઓ ત્રણ વખત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે અને RSS સાથે તેમનો ઊંડો સંબંધ રહ્યો છે. આ જીત પછી, તેમનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવતું હતું.
રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીના બંદના કુમારીને 29,595 મતોથી હરાવીને આ ચૂંટણી જીતી. રેખા ગુપ્તા શાલીમાર બાગથી કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેઓ અહીંથી ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા. તેમણે અગાઉ MCDમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે અને કોલેજના શરૂઆતના દિવસોથી જ ભાજપ સાથે સંકળાયેલ છે. તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ, પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્ય એકમના મહાસચિવ છે.
એજ્યુકેશન અને ફેમિલી બેકગ્રાઉન્ડ
રેખાનો જન્મ 1974 માં હરિયાણાના જીંદ જિલ્લાના નંદગઢ ગામમાં થયો હતો. તેમના પિતા સ્વર્ગસ્થ જય ભગવાન જિંદાલ અને માતા ઉર્મિલા જિંદાલ છે. 1976માં તેમના પિતાને SBI બેંકમાં નોકરી મળ્યા બાદ તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો. જોકે, તેમનો પરિવાર હજુ પણ જુલાનામાં વ્યવસાય કરે છે. દિલ્હીને અડીને આવેલા હરિયાણાની રહેવાસી હોવાથી, રેખા ગુપ્તા તેમના ગૃહ રાજ્યની મુલાકાત લેતી રહે છે. રેખા ગુપ્તાના લગ્ન દિલ્હીના ઉદ્યોગપતિ મનીષ ગુપ્તા સાથે થયા છે. તેમને બે બાળકો (એક દીકરો અને એક દીકરી) છે.
32 વર્ષ સુધી આરએસએસ સાથે જોડાયેલા ગુપ્તાએ 1992 માં દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 1995-96 માં તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સચિવ અને 1996-97 માં તેના પ્રમુખ હતા. 2002માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને પાર્ટીની યુવા શાખાના રાષ્ટ્રીય સચિવ રહ્યા. રેખા ગુપ્તાએ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભાજપની મહિલા શાખાના પ્રભારી તરીકે પણ કામ કર્યું છે. તેઓ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.
2007 માં ઉત્તર પીતમપુરાથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ, ગુપ્તાએ મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે કામ કર્યું. તેમણે સુમેધા યોજના જેવી પહેલ શરૂ કરી, જેના હેઠળ આર્થિક રીતે નબળી છોકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવામાં આવતી. તેઓ શાલીમાર બાગથી ત્રણ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવી હતી – 2007-2012, 2012-17 અને 2022-25. મ્યુનિસિપલ બોડીની મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિના વડા તરીકે, તેમણે મહિલા સશક્તિકરણ અભિયાનનું નેતૃત્વ કર્યું.