કોન્ટ્રાક્ટ પર નોકરી મેળવતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓ મેળવવા માટે પણ હવે અનામતનો લાભ મળશે, કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને કોન્ટ્રાક્ટ પરની જગ્યા પર આ અનામતનો કડક અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરીઓમાં પણ અનામત મળશે. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં આ માહિતી આપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની અસ્થાયી નિમણૂકમાં SC/ST/OBC અનામત મળશે.
તમામ મંત્રાલયો અને વિભાગોને અપાયો નિર્દેશ
કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને અસ્થાયી પદો પર આ અનામતને કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ખરેખર તો કરાર આધારિત નોકરીઓમાં SC/ST/OBC અનામતની માગ સંબંધિત એક અરજી દાખલ કરાઈ હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે 2022 માં જ ભારત સરકાર દ્વારા જાહેર કરેલી નોટિફિકેશનમાં આ અંગે માહિતી અપાઈ હતી.
સરકારે નોટિફિકેશનમાં શું કહ્યું હતું?
સરકાર દ્વારા જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના પદો અને સેવાઓમાં નિમણૂકના સંબંધમાં 45 દિવસ કે તેનાથી વધુ દિવસની અસ્થાયી નિમણૂકમાં SC/ST/OBC ઉમેદવારોને અનામત મળશે. જોકે અસ્થાયી નિમણૂકમાં અનામતની વ્યવસ્થા 1968થી લાગુ છે. તેને લઈને 2018 અને 2022 માં પણ નિર્દેશ જારી કરાયા હતા.