સેવાભારતી – ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિના અંતર્ગત દ્વિતીય મહિલા સંમેલન સેવાભારતી – ગુજરાત દ્વારા દિનાંક 19/03/2024 ના રોજ આહવા ખાતે સંપન્ન થયું.
આ કાર્યક્રમમાં 42 ગામોની 3200 બહેનોનો સહભાગ રહ્યો. કાર્યક્રમના પ્રમુખ વક્તા રાષ્ટ્રીય સેવા ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતિ અમિતા જૈને પોતાના વાવ્યમાં કહ્યું કે સમાજ જીવનના કોઇપણ ક્ષેત્રમાં મહિલા પોતાની રીતે સક્ષમ છે. સાધ્વી હેતલ દીદીએ પોતાના આશીર્વાદ ઉપસ્થિત બહેનોને ઉત્સાહ પૂરો પાડયો. કાર્યક્રમની પ્રસ્તાવના આપતા ડો વેદ શ્રી વાસ્તવે સેવાભારતી -ગુજરાત દ્વારા આદિવાસી બહેનો દ્વારા સંચાલિત પ્રકલ્પોની જાણકારી આપતા કહ્યું કે શિક્ષણ, સ્વાવલંબન, સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સામાજિક આ પાંચ વિષયો પર 45 ગામોમાં 113 આરોગ્ય મંડળ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. આ ગામોમાં સ્વરોજગારીની તાલિમ અને દવાઓ પૂરી પાડવામાં આવે છે.
કાર્યક્રમમાં ડાંગી સંસ્કૃતિ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. નાનકડી બાળકી રિદ્ધિ દ્વારા દેવસ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી. બહેનો દ્વારા રામસ્તુતિ અને વન્દેમાતરમ પર મનમોહક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું.
સેવાક્ષેત્રમાં કામ કરતા કલાબેન, સતીશભાઇ અને પ્રકલ્પના વિકસિત ગામ લિંગા અને લહાનકસાડને સન્માનિત કરવામાં આવ્યા. ડૉ અખિલેશ પાંડેજીએ મહિલાઓ સ્વાવલંબી કેવી રીતે બની તેનું પ્રબોધન કરતા કાર્યક્રમનું સમાપન કર્યું. તેમણે જણાવ્યું કે પોતાની સાથે સાથે પરિવાર અને સમાજના દરેક ક્ષેત્રોમાં બહેનોની ભાગીદારી વધવી જોઇએ. આ કાર્યક્રમમાં સેવાભારતીના કાર્યાઅધ્યક્ષ શ્રી કિશોરભાઈ મુંગલપરા, મંત્રી શ્રી ગિરીશભાઇ પટેલ, પ્રાંત સંગઠન મંત્રી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, મહિલા કાર્ય સંભાળતા શ્રીમતિ નિમીશાનેન સાવલીયા, સેવાગાથામાંથી શ્રીમતિ નિર્મળાબેન સોની, ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઇ ઢીમ્મર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહ સેવા પ્રમુખ શ્રી અશ્વિનભાઇ કડેચા ઉપસ્થિત રહ્યા હતા. આહવા જૂથના પ્રમુખ શ્રીમતિ સુનિતાબેન બાગુને આભારવિધિ દ્વારા કાર્યક્રમને સંપન્ન ઘોષિત કર્યો.
મહિલા સશક્તિકરણના કામની આછેરી ઝલક આ પ્રમાણે છે.
- 45 ગામોમાં 113 આરોગ્ય મંડલ
- દર મહિને બે મેડીકલ કેમ્પ, જેમાં દર્દી ઠીક થાય ત્યા સુધી દવા આપવામાં આવે છે.
- અત્યાર સુધી 50 દર્દીઓને સૂરત અને નવસારીમાં રીફર કરી સારવાર કરવામાં આવી
- અત્યાર સુધી 13 બહેનોને અલગ અલગ સંસ્થાઓમાં વાત કરી GNM ANM માં એડમિશન અપાવ્યું.
- સુરતમાં આવેલી વિપ્ર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવા હોસ્પીટલમાં એકાઉન્ટ અને નસીંગ સેવામાં કામ અપાવ્યું
- લિંગા ગામની 38 બહેનોને સીવણ શીખવાડવામાં આવ્યું.
- બહેનોને માસિકધર્મ વખતે સેનિટેશન અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યાં
- 43 ગામોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
- વ્યસન મુક્તિ માટે 45 ગામની શાળાઓમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ડિસ્ટેન્સ એજ્યુકેશનનું મહત્વ સમજાવવાથી અત્યાર સુધી 28 એ BAમાં એડમિશન લીધું.
- 6 ગામોમાં ડ્રોપ આઉટ (ભણતર અધવચ્ચેથી છોડવું) ઘટાડવાના પ્રયત્નથી 37 બહેનોએ ફરીથી ભણવાનું ચાલું કર્યું
- 45 ગામોના ગ્રામજૂથની કાર્યકર્તા બહેનોના પ્રશિક્ષણ થયા જેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ મંગુબેન, મહિલા સ્વાવલંબન કેન્દ્રના જ્યોતિબેન ઠક્કર, પૂર્વોત્તરના હિરલબેન ભટ્ટે માર્ગદર્શન આપ્યું.