વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેનાર છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. ૭ નવેમ્બર ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે ૧૦:૩૦ કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં ર૦૦ ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે ૧૧:૪૫ કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
તા.૮ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
તા.૯ નવેમ્બરના રોજ સવારે ૫:૩૦ કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે.
બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમ્યાન મહિલા મંચ યોજાશે.
સાંજે ૫:૦૦ કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
તા.૧૦ નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે મંદિર પરિસર ખાતે થશે.
તા.૧૧ નવેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે ૫:૩૦ કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
તા.૧૨ નવેમ્બરના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા.
જ્યારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે.
બપોરે ૩:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે.
સાંજે ૪:૦૦ કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યા તિ ભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે.
સાંજેના ૪:૦૦ કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
તા.૧૩ નવેમ્બરના રોજ સવારે ૬:૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે ૧૦:૩૦ કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે ૫:૩૦ કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
તા.૧૪ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે ઉજવાશે.
તા.૧૫ નવેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે ૬:૦૦ કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન પૂ.જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને પૂ.નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે મહોત્સવના અન્ય આકર્ષણો.
મહોત્સવના મુખ્ય આકર્ષણો :-
૧. આધુનિક ટેન્ટસીટી :- દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલ દર્શનાર્થીઓ ને રહેવા માટે અતિ આધુનિક સુવિધા સાથેના ૨૫ હજાર થી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એ.સી. સુવિધા પણ રાખવામાં આવેલ છે.
૨. પ્રદર્શન :- દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ ૮૦૦ વીઘા જમીન પર ઉજવાનાર છે. જેમાં ૨૫ વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તા. ૨૪ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર દરમ્યાન યોજાનાર છે. જેના સમય બપોરે ૧૨:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધીનો રાખવામાં આવે છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર ૧૦૦ ફૂટ લાંબુ અને ૩૫ ફૂટ ઉંચુ છે. ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં ૧૯૦ ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને ૧૧૪ ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલ છે.
ઉપરાંત રંગ બે રંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે ૬૮૫ સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે. બંગાળના ૭૫ કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા ૩ માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા.
૩. યજ્ઞશાળા :- ૧૫ વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૦૮ કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં ૩૫૦૦ વધુ દંપતિઓ બેસી શકશે.
૪. ભવ્ય ભોજનશાળા :- ૬૨ હજાર ૫૦૦ ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવેલ છે. જેમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૫. શુધ્ધ પાણી માટે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યરત :- મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે બે આર.ઓ.પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેથી દરેકને ઠંડુ અને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે.
૬. વિશાળ સભા મંડપ : હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે ૨.૧૦ લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવેલ છે. જેની પીઠીકા ૩૦ હજાર ચો.ફૂટની રાખવામાં આવેલ છે. આ સભામંડપમાં ૨૫ હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.