ખેડા જિલ્લાના પાલ્લા ગામ ખાતે અને ધોળકા તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં આવનાર લોકો માટે આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં ગર્દભ, ઊંટ અને બળદ જેવા પશુઓના વેચાણ માટે ખ્યાતિપ્રાપ્ત મેળામાં લાખો લોકો મેળા જોવા આવે છે. આવી મોટી સંખ્યામાં આવનારા લોકો માટે પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં, પાલ્લા ગામ ખાતે હંગામી આરોગ્ય કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સતત સેવાઓ આપશે.
આ કેમ્પમાં 12 મેડિકલ ઓફિસર્સ, 12 આયુષ તબીબો, 84 પેરામેડિકલ સ્ટાફ, 12 પટાવાળા, 12 ડ્રાઈવરો અને 12 વાહનોનો સમાવેશ થાય છે. આ ટીમ દ્વારા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવાશે. 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન કાર્ડ નિશુલ્ક તૈયાર કરી આપવામાં આવશે.
વધુમાં “દિપક ફાઉન્ડેશન” દ્વારા એક વિનામૂલ્યે એક્સ-રે વાન ઉપલબ્ધ રહેશે, જે ખાંસી અથવા ક્ષય રોગ માટે નિદાનમાં મદદરૂપ થશે. સાથે જ રેફરલ સેવાઓ માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે. સાથે જ મેળામાં આવનાર લોકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરવા જણાવાયું છે. આ સમગ્ર કામગીરીનું સુપરવીઝન તાલુકા અને જીલ્લા સ્તરે નિમણૂક કરાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થાથી મેળામાં હાજર જનમેદનીને આરોગ્યની સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ થશે.