વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ આઠમી ટક્કર થશે. ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધી રમાયેલી વર્લ્ડ કપની તમામ 7 મેચ જીતી છે અને હાલ જે પ્રકારે ટીમ ઇન્ડિયા ફોર્મમાં ચાલી રહી છે તે જોતા આઠમો મુકાબલો જીતવા માટે પણ હોટફેવરિટ મનાઇ રહી છે. શુક્રવારે બંને ટીમોના ખેલાડીઓએ નેટ પ્રેકટ્સિ કરી મેદાન પર પરસેવો વહાવ્યો હતો.
દર્શકો માટે વિશેષ વ્યવસ્થા
મેચને લઇને સમગ્ર સ્ટેડિયમ અભેદ કિલ્લામાં ફેરવાયું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સવારે 10 વાગ્યાથી દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક ક્લબ, હોટલો, સોસાયટી અને ફ્લેટમાં મેચ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અનેક જગ્યા પર મેચ નિહાળવા માટે વિશાળ સ્ક્રીન લગાવવામાં આવી છે.
અનેક સેલિબ્રિટી મેચ જોવા આવશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ પર્ફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થશે. જ્યારે કે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વિશ્વકપની વનડે મેચને લઈ ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ હાઈવોલ્ટેજ મેચને લઈ પોલીસ માટે એક પડકારરુપ આ બંદોબસ્ત છે, જેને પાર પાડવા માટે સંપૂર્ણ બારીકાઈ પૂર્વક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ પણ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.