પ્રાથમિક શાળાના કુલ 2,129 વિદ્યાર્થીઓ, 75 શિક્ષકો અને વાલીઓની જનભાગીદારી દ્વારા કુલ 12 બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કર્યા
“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગૌદ મે પલતે હૈ” આ સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી આપ્યું છે મહેમદાવાદના શિક્ષક શ્રી દિપક સુથાર, જેઓએ ફક્ત ભણાવવા પૂરતું સિમિત ન રહેતા જનભાગીદારી દ્વારા તાલુકાનાં કુલ 12 ખુલ્લા બોરને બંધ કરવાની લોકસેવાની કામગીરી કરી છે. બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાની આ નોંધનીય કામગીરી બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સીઆરસી કોઓરડીનેટર શ્રી દીપક સુથારને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી શ્રી પાનસેરિયા દ્વારા જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંત્રીશ્રી દ્વારા આ સેવાકીય ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.
જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરના શિક્ષક દીપક સુથારે 13 શાળાઓના 2129 વિદ્યાર્થીઓ, 75 શિક્ષકો તેમજ વાલીઓને આ અભિયાનમાં જોડી જુદા જુદા ગામમાં રૂબરૂ જઈને કુલ 12 બોરને કોથળી કે લોખંડના ઠાકણાંથી બંધ કર્યા હતા. જેમા, જરાવત, પથાવત, વાઘાવત, કલેસર, ઉમાજીની મુવાડી, સમડાવાળી મુવાડી, આંબડીયાની મુવાડી, ગોકળપુરા, ગોકળપુરા સીમ વિસ્તાર, ઉમેદપુરા અને રણછોડપુરાના વિસ્તારોમાં ખુલ્લા બોરવેલને બંધ કરવાની કામગીરી કરવામાં આવી હતી.