ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર ખુલ્યો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો અને 4 શેરોમાં તેજી જોવા મળી. સેન્સેક્સમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી ટોપ લૂઝર્સ છે. ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના શેર લગભગ 4% ઘટ્યા છે. જ્યારે HDFC બેંક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેર ટોપ ગેનર્સ છે.
NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી મેટલ સૌથી વધુ 3% ઘટ્યો. ફાર્મા ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો છે અને આઇટી ઇન્ડેક્સ 1.50% ઘટ્યો છે. ઓટો ઇન્ડેક્સ પણ 1.60% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. તેલ અને ગેસ, રિયલ્ટી અને હેલ્થકેરના સૂચકાંકોમાં પણ લગભગ 1.5%નો ઘટાડો થયો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, L&T ફાઇનાન્સ, વેદાંતા, RBL બેંક, બંધન બેંક, SH કેલકર એન્ડ કંપની, Jio ફાઇનાન્સિયલ સર્વિસીસ, GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બાલાજી એમાઇન્સ, સાઇ લાઇફ સાયન્સ, નેસ્લે ઇન્ડિયા, જ્યુપિટર વેગન્સ, થર્મેક્સ અને અમી ઓર્ગેનિક્સના શેર ફોકસમાં રહેશે.
યુએસ માર્કેટમાં 6%નો ઘટાડો
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 2.64% અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.57% ઘટ્યો. ચીનનું બજાર આજે બંધ છે. 3 એપ્રિલના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 3.98% ઘટીને 40,545 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 4.84% ઘટ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 5.97% ઘટ્યો. 3 એપ્રિલના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 2,806 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જયારે સ્થાનિક રોકાણકારો (DII) એ 221.47 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
બજારમાં ઘટાડાના કારણો
ટ્રમ્પનો રેસિપ્રોકલ ટેરિફ: અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત ઉપરાંત, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, સાઉથ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
વિદેશી રોકાણકારોની વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય શેરબજારમાંથી સતત પૈસા કાઢી રહ્યા છે. આ વેચવાલી બજારમાં દબાણ વધવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે, ખાસ કરીને જો રોકાણકારો અન્ય બજારો તરફ વળ્યા હોય.
આર્થિક અનિશ્ચિતતા: વૈશ્વિક આર્થિક મંદીના ભય અને 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં યુએસ જીડીપીમાં 2.8% ઘટાડો થવાની આગાહીને કારણે રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે. આનાથી શેરબજારમાં અસ્થિરતા વધી રહી છે.
ગુરુવારનું બજાર
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 76,295.36 પર બંધ થયો. જયારે NSE પર નિફ્ટી 0.39 ટકાના ઘટાડા સાથે 23,242.00 પર બંધ થયો. NSE પર સૌથી વધુ સક્રિય શેરોની યાદીમાં BSE લિમિટેડ, તેજસ નેટવર્ક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ સ્થિર રહ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યો. ક્ષેત્રીય મોરચે, આઇટી ઇન્ડેક્સમાં 3.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ફાર્મા ઇન્ડેક્સમાં 2 ટકાનો વધારો થયો હતો.