ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. રોગચાળો વધુ વકરે નહીં તે માટે મનપા દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મીનરલ વોટર જગ સપ્લાયર એકમોને નિશાન બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં મીનરલ વોટર જગ વેચતા વિતરકો ક્લોરિનયુક્ત પાણી પૂરું પાડે છે કે નહીં તે બાબતે AMC દ્વારા વિશેષ તપાસ કરવામાં આવી હતી. કુલ 194 મીનરલ વોટર જગ સપ્લાયર સામે ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન AMCની ટીમને 20 સ્થળોએ ક્લોરિનની કોઈ વ્યવસ્થા ન હોવાનું જાણવા મળ્યું હતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
મનપાની તપાસ ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા 20 એકમોમાંથી 13 એકમોને તાત્કાલિક સીલ મારી દીધા હતા. જ્યારે બાકીના 7 એકમોમાં ક્લોરિન ડક ફીટ કરાવીને જરૂરી સુધારણા કરાવવામાં આવી છે. આ કાર્યવાહીથી મીનરલ વોટર વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
AMCએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર સ્વાસ્થ્ય સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. રોગચાળો અટકાવવા માટે આવનારા દિવસોમાં પણ મીનરલ વોટર જગ સપ્લાયર એકમો પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે. મનપાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પીવાના પાણીની ગુણવત્તા અંગે સજાગ રહે અને શંકાસ્પદ સપ્લાયર સામે ફરિયાદ નોંધાવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel