દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટ તરફથી અપાયેલા વિવાદિત ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. ખરેખર હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે છોકરીના છાતીના ભાગને પકડવો કે તેના પાયજામાનું નાડું ખેંચીને તોડી નાખવું એ દુષ્કર્મના પ્રયાસના આરોપો માટે પર્યાપ્ત પુરાવો નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુઃખ થાય છે કે આ નિર્ણય લખનારાઓમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો છે. આ નિર્ણય તાત્કાલિક નથી લેવાયો પણ ચુકાદો સુરક્ષિત રાખ્યાના ચાર મહિના બાદ સંભળાવાયો છે. અમે સામાન્ય રીતે આ લેવલ પર વિલંબ કરવામાં ખચકાઈએ છીએ પણ પેરા 21, 24 અને 26 માં કરાયેલી વાતો કાયદામાં નથી અને તે માનવતાનો અભાવ દર્શાવે છે. અમે આ પેરામાં કરાયેલા ટિપ્પણીઓ પર રોક લગાવીએ છીએ.
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે પ્રતિક્રિયા માગી છે. સાથે જ એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસે સહયોગની માગ કરી છે. 24 માર્ચના જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ દાખલ PIL પર સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.
અલ્લાહાબાદ હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો
અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે બે આરોપીઓ તરફથી દાખલ કરેલી રિવિઝન પિટિશનને આંશિક રીતે સ્વીકારતી વખતે આ ટિપ્પણી કરી હતી. કે, છોકરીના છાતીના ભાગને અડકવું તેમજ પાયજામાનું નાડું ખેંચી લેવું દુષ્કર્મનો પ્રયાસ ગણી શકાય નહીં. આરોપીઓએ રિવિઝન પિટિશનમાં ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે તેમને ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 376 (બળાત્કારનો પ્રયાસ) સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કલમ 18 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.