સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે તેમના સામે બે પૂર્વ મેડિકલ વિદ્યાર્થિનીઓએ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ વિદ્યાર્થિનીઓનો દાવો છે કે લગભગ સાત વર્ષ પહેલાં અભ્યાસ દરમિયાન ડૉ. મુલ્લા તેમને ઇસ્લામ સ્વીકારવા માટે વારંવાર સમજાવતા, મૌલાનાના વીડિયો બતાવતા અને કલમા તથા નમાજ અંગે પણ કહેતા હતા.
ગુજરાતના આરોગ્ય વિભાગે ડૉ. સુમૈયા મુલ્લાને ડૉ. હર્ષ પંડ્યા સાથે જોડાયેલા રેગિંગ કેસમાં પોતાની જવાબદારી નિભાવવામાં કથિત બેદરકારી બદલ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્શન દરમિયાન તેમનું મુખ્ય મથક ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, વડોદરા રહેશે.
‘તું અને તારા માતા-પિતાએ આ ધર્મ સ્વીકારવો જોઈએ’ – પૂર્વ વિદ્યાર્થિનીનો દાવો
પૂર્વ વિદ્યાર્થિનીએ પોતાનું નામ રિવિલ ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં અમે ત્રણ જણા ગયા હતા. મને કન્ટિનિયુસ કહેવામાં આવતું હતું કે, તમારા ધર્મમાં છોકરા બાપને સળગાવી દે છે. અમારા ધર્મમાં આવું નથી. પછી કહ્યું હું ખરેખર એવું ઇચ્છું કે તું અને તારા પેરેન્ટ્સે આ ધર્મનો સ્વીકારવો જોઇએ. કારણ કે ઇસ્લામ ધર્મ જ રહેવાનો છે અને હિન્દુ ધર્મ તો રહેવાનો જ નથી.
વિદ્યાર્થિનીએ એવો પણ દાવો કર્યો કે હિન્દુ ધર્મ અને ઇસ્લામની સરખામણી કરીને તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પૂર્વ વિદ્યાર્થિનીના આક્ષેપ મુજબ તેમની સામે હિન્દુઓ માટે અપમાનજનક ગણાતા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.
‘યુટ્યુબ પર મૌલાનાના વીડિયો બતાવતા’
પૂર્વ વિદ્યાર્થિનીનો વધુ એક આક્ષેપ છે કે તેમને યુટ્યુબ પર ધાર્મિક પ્રવચનો અને મૌલાનાના વીડિયો બતાવવામાં આવતા હતા. તેમના કહેવા પ્રમાણે વીડિયો બતાવી ઇસ્લામની વિશેષતાઓ સમજાવવામાં આવતી અને પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ સ્વીકારવાનો સંકેત આપવામાં આવતો હતો.
વિદ્યાર્થિનીએ આ સમગ્ર ઘટનાક્રમને ‘બ્રેઇનવોશ કરવાનો પ્રયાસ’ ગણાવ્યો છે. જોકે આ આક્ષેપ અંગે હાલમાં કોઈ તપાસ રિપોર્ટ અથવા સત્તાવાર દસ્તાવેજ જાહેર થયો નથી.
કલમા પઢાવવા અને નમાજ શીખવાડ્યાનો પણ આક્ષેપ
પૂર્વ વિદ્યાર્થિનીએ એવો પણ દાવો કર્યો છે કે એક અન્ય ડોક્ટરને કલમા પઢવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને નમાજ પણ પઢાવવામાં આવી હતી.
બીજી એક પૂર્વ વિદ્યાર્થિનીએ પણ આરોપ લગાવ્યો કે ડૉ. સુમૈયા મુલ્લાએ તેમને નમાજ કેવી રીતે પઢવી તેની પ્રક્રિયા સમજાવી હતી. તેમણે એવો દાવો કર્યો કે HOD રૂમના વોશબેસિન પાસે વજુ કરવાની રીત શીખવવામાં આવી અને બાદમાં લેબોરેટરીના એક રૂમમાં નમાજ પઢવા લઈ જવાયા હતા. પૂર્વ વિદ્યાર્થિનીનું કહેવું છે કે એક પ્રસંગે તેમણે ડૉ. મુલ્લા સાથે નમાજ પણ પઢી હતી.
‘મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની સલાહ આપતા’ – બીજો ગંભીર આરોપ
આ જ પૂર્વ વિદ્યાર્થિનીએ એવો દાવો પણ કર્યો છે કે ડૉ. સુમૈયા મુલ્લા તેમને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની આડકતરી સલાહ આપતા હતા. તેમના કહેવા પ્રમાણે તેમને બે-ત્રણ વખત કહેવામાં આવ્યું હતું કે હિન્દુ સમુદાયમાં યોગ્ય પાત્ર ન મળે તો મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લેવા જોઈએ.
પૂર્વ વિદ્યાર્થિનીએ હિન્દુ ધાર્મિક ગ્રંથોને લઈને પણ ડૉ. મુલ્લાએ વાંધાજનક ટિપ્પણીઓ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ તમામ નિવેદનો આક્ષેપના સ્વરૂપમાં છે અને તે અંગે તપાસ એજન્સી અથવા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ અંતિમ તારણ જાહેર કરાયું નથી.
એક્ઝામમાં જાણીજોઈને હેરાન કર્યાનો પણ દાવો
બીજી પૂર્વ વિદ્યાર્થિનીએ શૈક્ષણિક હેરાનગતિનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે MD અભ્યાસ દરમિયાન તેમને હાજરીના કારણોસર પરીક્ષા આપવા દેવામાં આવી નહોતી અને ત્યારબાદ તેઓ બે વખત પરીક્ષામાં નિષ્ફળ થયા હતા.
વિદ્યાર્થિનીનો દાવો છે કે વિભાગીય સ્તરે તેમના વિશે બહારના એક્ઝામિનરને નકારાત્મક માહિતી આપવામાં આવી અને તેમને પરીક્ષામાં પાસ ન થવા દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પૂર્વ વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ત્રણ વર્ષમાં પૂર્ણ થતો MD અભ્યાસ તેમને ચાર વર્ષમાં પૂર્ણ કરવો પડ્યો હતો. તેમણે અભ્યાસ દરમિયાન સતત માનસિક હેરાનગતિ અને વધારે કામ કરાવવાના પણ આક્ષેપો કર્યા છે.
ડૉ. સુમૈયા મુલ્લાનો જવાબ મળ્યો નહીં
આ ગંભીર આક્ષેપો સામે ડૉ. સુમૈયા મુલ્લાનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ અહેવાલ અનુસાર પત્રકાર દ્વારા ફોન કરવામાં આવતાં શરૂઆતમાં સંપર્ક થયો હતો, પરંતુ પરિચય આપ્યા બાદ ફોન બંધ થઈ ગયો હતો. ત્યારબાદ કરવામાં આવેલા કોલનો જવાબ ન મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આથી ધર્મ પરિવર્તનના દબાણ, નમાજ પઢાવવાના અથવા શૈક્ષણિક હેરાનગતિના આક્ષેપો અંગે ડૉ. મુલ્લાનો સત્તાવાર જવાબ હાલમાં ઉપલબ્ધ નથી.
ડૉ. હર્ષ પંડ્યા કેસ બાદ HOD પર થઈ કાર્યવાહી
આ સમગ્ર વિવાદનું કેન્દ્ર ડૉ. હર્ષ પંડ્યાના મૃત્યુ બાદ શરૂ થયેલી તપાસ છે. સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના PG વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાનું 9 ઓગસ્ટે મૃત્યુ થયું હતું. તેમના અને અન્ય જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિનિયરો દ્વારા રેગિંગ અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના ગંભીર આરોપો બાદ એન્ટિ-રેગિંગ કમિટીએ તપાસ કરી હતી.
તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડૉ. દીક્ષિતા ઘેવરીયા, ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી અને ડૉ. હિના ભૂતને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
10 જુનિયર ડોક્ટરો સાથે રેગિંગના આક્ષેપ
પોલીસ FIR મુજબ 5 ઓગસ્ટની સાંજે માઇક્રોબાયોલોજી વિભાગના 10 પ્રથમ વર્ષના PG વિદ્યાર્થીઓને સેરોલોજી લેબમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે રેગિંગ તથા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આ કેસમાં ખટોદરા પોલીસે ચારેય સિનિયર ડોક્ટરો સામે ખોટી રીતે કેદ સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદ છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ
ડૉ. હર્ષ પંડ્યાના સહઅભ્યાસીઓએ તપાસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે સતત હેરાનગતિથી તેઓ ખૂબ જ પરેશાન હતા. ઉપલબ્ધ મીડિયા અહેવાલ મુજબ જુનિયર ડોક્ટરોએ વિભાગના વડાને ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય રીતે રજૂઆત ન થઈ શકી હોવાના આક્ષેપો થયા હતા.
આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે ડૉ. સુમૈયા મુલ્લાની જવાબદારી નક્કી કરી અને 20 ઓગસ્ટે તેમને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો. આરોગ્ય વિભાગે રેગિંગ અટકાવવામાં અને વિભાગીય જવાબદારી નિભાવવામાં કથિત ગંભીર બેદરકારી હોવાનું કારણ દર્શાવ્યું છે.
ડીનને પણ શો-કોઝ નોટિસ
રેગિંગ કેસમાં માત્ર HOD સામે જ નહીં પરંતુ કોલેજ તંત્રની જવાબદારી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. તપાસ દરમિયાન ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. કોલેજના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ રાજ્ય સરકાર સ્તરે તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હવે જૂના આક્ષેપોની તપાસ થશે?
ડૉ. સુમૈયા મુલ્લાના સસ્પેન્શન બાદ સામે આવેલા પૂર્વ વિદ્યાર્થિનીઓના નવા આક્ષેપોથી મામલો વધુ ગંભીર બન્યો છે. જો પૂર્વ વિદ્યાર્થીઓ સત્તાવાર ફરિયાદ કરે અથવા આરોગ્ય વિભાગ આ આરોપોની અલગથી નોંધ લે, તો ધર્મ પરિવર્તન માટે દબાણ, ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રેરણા અને શૈક્ષણિક સત્તાના કથિત દુરુપયોગ જેવા મુદ્દાઓની પણ તપાસ થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel