સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે સુરતના પર્યાવરણપ્રેમી અને “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈએ પર્યાવરણ જાગૃતિ માટે શરૂ કરેલી અનોખી પહેલ ટ્રી ગણેશને અદભૂત માન્યતા મળી છે. એશિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા તેને એશિયાની એકમાત્ર એવી ધાર્મિક-સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય આધાર પર્યાવરણ સંરક્ષણ છે. આ સિદ્ધિ માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બની છે.
વર્ષ 2018થી વિરલ દેસાઈ ટ્રી ગણેશની સ્થાપના કરી રહ્યા છે, જેમાં પરંપરાગત ગણેશ મૂર્તિની જગ્યાએ વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિને પ્રાથમિકતા આપવામાં આવે છે. નવ દિવસ ચાલતા આ ઉત્સવમાં હજારો વિદ્યાર્થીઓ, ખાસ કરીને શાળાના બાળકો, ટ્રી ગણેશના દર્શન કરવા આવે છે. અહીં તેઓ માત્ર ધાર્મિક ભાવનાનો અનુભવ જ નથી કરતા, પણ સાથે સાથે વિરલ દેસાઈ અને તેમની ટીમ પાસેથી પર્યાવરણ જાળવણી, અર્બન ફોરેસ્ટનું મહત્વ, બાયોડાયવર્સિટી અને ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશે વિગતવાર માર્ગદર્શન મેળવે છે. આ રીતે, ટ્રી ગણેશ ધર્મ અને પર્યાવરણ જાગૃતિ વચ્ચેનું સેતુ બની ગયું છે.
એશિયા બુક ઑફ રેકોર્ડ્સે આ અભિયાનને વિશ્વસ્તરીય માન્યતા આપી છે, કારણ કે લાખો યુવાનોને સીધો સ્પર્શનાર આ એકમાત્ર એવો ઉત્સવ છે, જે સંપૂર્ણપણે પર્યાવરણની રક્ષા પર કેન્દ્રિત છે. વિરલ દેસાઈએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ટ્રી ગણેશ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આ યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું ચળવળ છે. આ અભિયાન ભવિષ્યના પેઢીઓને હરિયાળું અને સુરક્ષિત ગ્રહ આપવાનો પ્રયત્ન છે.”
આ મહોત્સવ દરમિયાન દર વર્ષે વિશેષ થિમ આધારિત કાર્યક્રમો યોજાય છે, જેમ કે અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન અને બાયોડાયવર્સિટીના સંરક્ષણ અંગે સ્ટડી ટૂર્સ. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનો માત્ર પર્યાવરણની સમસ્યાઓ સમજતા નથી, પરંતુ તેનો ઉકેલ લાવવા માટેના ઉપાયો પણ શીખે છે.
વિરલ દેસાઈએ આ સફળતા માટે સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વનવિભાગનો આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહકાર વિના આ અભિયાનને વૈશ્વિક ઓળખ મળી શકી ન હોત. આ સિદ્ધિ એનું જીવંત ઉદાહરણ છે કે, જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને પર્યાવરણને એક જ મંચ પર લાવવામાં આવે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
સુરતના ટ્રી ગણેશને મળેલી આ માન્યતા દર્શાવે છે કે ગુજરાત પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે અને આવનારી પેઢીને પર્યાવરણપ્રેમી બનવા માટે પ્રેરણા આપી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel