“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત પતંજલિ યોગ કેન્દ્ર, જિલ્લો ખેડા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા- નડિયાદ, અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ.વી.સો. વ્યાયામ શાળા, નડિયાદ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં યોગના માધ્યમથી શરીર અને સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમની અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા “સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪” ના કાર્યક્રમનો ટુંકમાં પરિચય આપી નડિયાદ શહેરને સ્વચ્છ રાખવા યોગ કેન્દ્રમાં આવતી તમામ બહેનો તથા ભાઈઓને સ્વચ્છતા કાર્યક્રમમાં પૂરો સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું અને સરકારશ્રી દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર તમામ યોગ સાધકો તથા વ્યાયામ શાળાના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
વધુમા, યોગ કેન્દ્રના સંચાલક મિનલભાઈએ યોગ કેન્દ્રની બહેનો – ભાઈઓ તથા પધારેલા સૌ મહેમાનોઓને પોતાની જગ્યા પર ઉભા થઈને સ્વચ્છતા અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ચેતનભાઈ શિયાણીયા, નડિયાદ નગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંકભાઇ દેસાઈ, વ્યાયામ શાળાના સહમંત્રી મનીષભાઈ શાહ અને યોગ કેન્દ્રના સંચાલક મિનલભાઈ પટેલ તથા યોગ કેન્દ્રની બહેનો અને ભાઈઓ સહભાગી થયા હતા.