છોટા કાશી તરીકે જગવિખ્યાત અને જ્યાના બ્રાહ્મણો પોતાના ધર્મ જ્ઞાન માટે પ્રચલિત છે તેવા ઉમરેઠ નગરમાં શ્રી બાજખેડાવાળ લઘુરુદ્ર પ્રાયોજક સમિતિ દ્વારા લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથની વાડીમાં યોજાયો છઠ્ઠો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ. આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ છેલ્લા છ વર્ષથી ઉમરેઠના બાજખેડાવાળ જ્ઞાતિ ગૌરવ અને ઉમરેઠ બાજખેડાવાળ લઘુરુદ્ર પ્રાયોજક સમિતિના પ્રમુખ ભીખુભાઇ એમ. જોષીના પ્રયત્નો અને ભાવથી થઈ રહ્યો છે. ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કારના મુખ્ય આચાર્ય પણ ભીખુભાઇ જોશી જ હતા. આ વર્ષના યજ્ઞોપવિત સંસ્કારના મુખ્ય યજમાન મૂળ ઉમરેઠના અને હાલ વડોદરામાં નિવાસ કરતા વંદનભાઈ કેતનભાઈ ભટ્ટ અને અમદાવાદમાં નિવાસ કરતા ઈશાનકુમાર સુનીલ કુમાર પંડ્યા રહ્યા હતા.
શ્રી સંતરામ મંદિર ઉમરેઠના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ દ્વારા સૌ બટુકોને આશીર્વચન આપવામાં આવ્યા અને બ્રાહ્મણ માટે જનોઈ ધારણ કરવાનું મહત્વ શું છે અને જનોઈ ધારણ કર્યાં પછી બ્રાહ્મણે કેવા નિયમો સાથે જીવવું જોઈએ તેની માહિતી પણ આપી હતી.
ઉમરેઠમાં ભાજખેડાવાળ બ્રાહ્મણ સમાજના છઠ્ઠા યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમમાં ઉમરેઠ ઉપરાંત ડાકોર, અમદાવાદ, વડોદરા, સેલવાસ જેવા શહેરોમાંથી કુલ 22 જેટલા બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. ઉમરેઠ તથા અલગ અલગ શહેરોમાં થી ખૂબ મોટી સંખ્યામાં બાજખેડાવાળ જ્ઞાતિના પરિવાર આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમમાં ઉત્સાહ સાથે પધાર્યા હતા. સાથે સાથે સમાજના સેવાની ભાવનાને યથાર્થ કરતા વ્યક્તિઓ તરફથી યજ્ઞોપવિત કાર્યક્રમ માટે રોકડા રૂપિયા અને બટુકોને જભો પીતાંબર, પેન્ટ પીસ, શર્ટ પીસ, ધોતિયા, બાજઠ, ચોરસા, કાંડા ઘડિયાળ, સ્કુલબેગ જેવી સંખ્યાબંધ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.
સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાંમાંડ ની અંદર જે માતાજીની સ્થાપના કરવામાં આવે છે તે માતાજીને સૂર્યરત્નાદેવી કહેવામાં આવે છે. આ સૂર્યરત્નાદેવી એ ભગવાન શ્રી સૂર્યનારાયણની પુત્રી છે. આ દેવીની સ્થાપના કરવાથી તે બ્રાહ્મણના દીકરાને વિદ્વાન બનવામાં મદદરૂપ થાય છે. બ્રાહ્મણનો દીકરો દરરોજ સૂર્યનારાયણ ને પ્રાત: અર્ધ્ય આપે છે અને દિવસમાં ત્રણ વખત સંધ્યા પૂજન કરે છે માટે આ દેવી વિશેષ ફળ આપે છે. બાજખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના આ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ઉમરેઠમાં રહેતા સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં સેવાકાર્યમાં પોતાની ફરજ સમજીને જોતરાઈ ગયા હતા. યજ્ઞોપવિત સંસ્કાર દરમિયાન બપોરે બટુક ના પરિવાર અને આમંત્રિત વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદી અને કાર્યક્રમ સંપન્ન થયા બાદ ઉમરેઠની સમસ્ત બાજખેડાવાળ જ્ઞાતિ માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.