નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચાર ઘાટ પર લાઈટ, પાણી, આરામ માટે બેસવાની વ્યવસ્થા, ટોયલેટ, સ્નાન માટે બાથરૂમ, બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા અને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓની નોંધ લીધી હતી.
રાત્રી દરમિયાન પરિક્રમા કરતા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર લાઈટની વ્યવસ્થા, સુરક્ષા જવાનો, કડક બંદોબસ્ત સહિત એસ.ડી.આર.એફ. ટુકડીઓ નદીના પ્રવાહ પર નજર રાખી રહી છે. આવી સુચારુ વ્યવસ્થાઓ વચ્ચે પરિક્રમાવાસીઓમ ઉત્સાહભેર નર્મદે હરના જયઘોષ સાથે પરિક્રમા કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમાવાસીઓને આરોગ્ય સુવિધા તત્કાલ ઉપલબ્ધ કરાવવા સ્ટોલ તેમજ એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડબાય રખાઇ છે. ફાયર બ્રિગેડ, કચરા પેટી અને નદીના પાણીના પ્રવાહને ધ્યાને લઈને એસ.ડી.આર.એફની ટુકડીઓ દ્વારા નદીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાવાસીને પીવાનું પાણી, નાસ્તો, ભોજન, વિશ્રામ, ફ્રૂટ, લીંબુ-સરબત, શેરડીનો રસ, નાસ્તાના સ્ટોલ ઠેર-ઠેર રૂટ પર ગોઠવવામાં આવ્યા છે અને આસપાસના મંદિર અને આશ્રમ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.