બોગસ આઈડીથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા પકડેલા ચાર આરોપીઓ સામેનો કેસ કેન્દ્ર સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. એનઆઈએ દ્વારા આરોપીઓ સામેના કેસના દસ્તાવેજો ગુજરાત એટીએસમાંથી મેળવ્યા છે. આગામી દિવસોમાં NIA અમદાવાદ દ્વારા મોહમ્મદ સોજીબ, મુન્ના ખાલિદ અંસારી, અઝહરુલ ઈસ્લામ અંસારી અને મોમિનુલ અંસારીની સાબરમતી જેલમાં જઈને પુછપરછ કરવા માટે કાર્યવાહી હાથ ધરવમાં આવનાર હોવાનું જાણવા મળે છે.
બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. તે ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસને મળ્યા હતા.જેના આધારે ગુજરાત એટીએસએ મોહમદ સોજીબમીયાં અહેમદ ફકીર, મુન્ના ખાલિદ અંસારી, અઝહરુલ ઈસ્લામ અંસારી અને મોમિનુલ અંસારીની તબક્કાવાર ધરપકડ કરી હતી. આરોપી મોહમદસોજીમીયાં પાસેથી 600 ટાકા તથા અલકાયદાના ભંડોળ માટે ઉઘરાવેલા રૂ.27,500 મળી આવ્યા હતા. આરોપીઓ વર્ષ 2019ના માર્ચ-એપ્રિલમાં બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે બે વખત ઘુસણખોરી કરી અમદાવાદ, ધોળકા તથા અન્ય રાજ્યોમાં રહ્યા હતા. વર્ષ 2016માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદાનો સક્રિય સભ્ય થયા હતા. આરોપીઓ ભારતમાં આવ્યા બાદ ચારેક મુસ્લિમ યુવકોને અલકાયદા તન્જીમમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા. અલ કાયદા માટે નાણાં એકત્રિત કર્યા હતા. આંતકવાદી સંગઠન અલ કાયદાનો અમદાવાદ સહિત દેશમાં પ્રચાર તથા પ્રસાર કરવા માટે કેટલા બાગ્લાદેશી નાગરિકો સંડોવાયેલા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.