NEET UG 2024ની પરીક્ષામાં હેરાફેરી અંગે NTAમાં શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક, સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુર BoGના અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિ પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને NTAની રચના અને કામગીરી અંગે ભલામણો કરશે.
કમિટી બે મહિનામાં રિપોર્ટ સોંપાશે
શિક્ષણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ NTAની હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાનું પણ મૂલ્યાંકન કરશે. આ સમિતિ એવા દરેક ક્ષેત્રમાં કામ કરશે જ્યાં સુધારની જરૂર છે તેમજ કાર્યક્ષમતા વધારવા માટે પણ ભલામણો રજૂ કરશે. બધી તપાસ બાદ આ સમિતિ બે મહિનામાં તેનો રિપોર્ટ મંત્રાલયને સોંપાશે.
સમિતિમાં સામેલ સભ્યો
1. ડૉ. રણદીપ ગુલેરિયા, ભૂતપૂર્વ ડિરેક્ટર( AIIMS દિલ્હી)
2. પ્રો. બી. જે. રાવ, વાઇસ ચાન્સેલર (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ)
3. પ્રો. રામમૂર્તિ કે (પ્રોફેસર એમેરિટસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, IIT મદ્રાસ)
4.પંકજ બંસલ(સહ-સ્થાપક, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર – કર્મયોગી ભારત)
5. પ્રો. આદિત્ય મિત્તલ (ડીન સ્ટુડન્ટ અફેર્સ, IIT દિલ્હી)
6. ગોવિંદ જયસ્વાલ (સંયુક્ત સચિવ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)
સરકાર ઝીરો એરર પરીક્ષા માટે પ્રતિબદ્ધ
NEET-UGC NETના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTAમાં સુધારાની કરવાની વાત સ્વીકારી હતી. તેમણે પત્રકાર પરિષદમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના અંગે માહિતી આપી હતી. તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે, ‘સરકાર ઝીરો એરર પરીક્ષા માટે પ્રતિબદ્ધ છે. જેની તપાસ માટે સરકાર સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહી છે, જે NTA પર ભલામણો આપશે. વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રાથમિકતા છે. જેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સરકાર કોઈપણ ગુનેગારને છોડશે નહીં.’