ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ અને શનિદેવ મહારાજનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા ભકતજનો સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાવનગર શહેરમાં 44 વર્ષ પહેલા મેઘાણી સર્કલ વિસ્તારમાં સાંઈભક્તો અને દાતાઓના સહકારથી સાંઈબાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં નાના મંદિર બાદ આજે વિશાળ શિખરબદ્ધ મંદિર બન્યું છે. સમય જતાં ભક્તોનો સહયોગ અવરિત ચાલુ રહેતા મંદિર પરિસરમાં સાંઈબાબાના મંદિરની સાથે શનિદેવનું મંદિર અને દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અન્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે. ભાવનગરવાસીઓ સાંઈ મંદિરે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
ભાવનગર શહેરની મધ્યમાં સાંઈબાબાનું મંદિર
આસ્થાનો ધોધ, સેવાની સરવાણી
ભાવનગરમાં આવેલા સાંઈબાબાના મંદિરે દર ગુરૂવારે સાંજે દર્શન માટે આવતા ભકતજનોને કઢી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરૂવારે ૨ થી ૩ હજાર લોકો કઢી ખીચડીના પ્રસાદનો લ્હાવો લે છે. મંદિરે ભક્તિ તો થાય છે જ સાથે સાંઇ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યમ વર્ગના લોકોને માત્ર ૧૦ રૂપિયામાં ભોજન પણ આપે છે. જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મંદિર પરિસરમાં સાંઈબાબાની એક વિશાળ મુર્તિ છે જેને સમયાંતરે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે ફેરવવામાં આવે છે. ભાવનગરનું એક ગ્રુપ છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગરથી શિરડી પગપાળા સંઘ લઇને જાય છે અને સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સાંઈબાબાના મંદિર ખાતે સાંઈબાબાના પાટોત્સવનો તહેવાર તેમજ રામનવમી, શ્રાવણ માસ અને અન્ય તહેવારો તેમજ ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે. મંદિરે નિયમિત દર્શને આવતા ભકતજનોની સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા છે એટલે તેમના પોતાના જીવનમાં આવેલા સુખ,શાંતિ અને સમૃદ્ધિને સાંઈબાબાના આશીર્વાદ ગણાવે છે.