સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીપલગ ચોકડી પાસે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર પરિસર ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના ધારાસભ્યો સહિત પોસ્ટ વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા.
આ અવસરે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે આજે પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરેલ વિભિન્ન યોજનાઓ, સેવાઓ અને પોસ્ટ બેન્ક સેવાઓથી પોસ્ટ વિભાગનનું વર્ક કલ્ચર બદલાયુ છે. પોસ્ટ વિભાગના 4.5 લાખ કર્મચારીઓ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારો સુધી ટપાલ તારથી લઈને, વીમો, બેન્ક સહિત અન્ય સરકારી યોજનાના લાભ લોકો સુધી પહોચાડીને ભરોસાનું પ્રતિક બન્યા છે. દેશમાં 8.5 કરોડ લોકો ઈન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્ક ખાતા ધરાવે છે જેમાં 50% જેટલા ખાતાધારકો મહિલાઓ છે. ગ્રામિણ પોસ્ટ વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સેવીંગ સન્માન સર્ટિફીકેટ દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં પોસ્ટ વિભાગ દ્વારા સચોટ કામગીરી કરવામાં આવી છે. સાથે જ પોસ્ટ વિભાગમાં ટેકનોલોજીકલ આધુનિકરણ અને ડીઝીટાઈઝેશન, પ્રાઈવેટ કપંનીઓ સાથે એમઓયુ વગેરે દ્વારા પોસ્ટની સેવાઓ ઝડપી અને અસરકારક બની છે.
આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ઉપસ્થિત ધારાસભ્યઓ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન બચત પ્રમાણપત્રના ખાતેદારોને પ્રોત્સાહિત કરવા પ્રતિકરૂપે પાસબુક તેમજ ટપાલ જીવન વીમા ધારક અને અંત્યોદય સુરક્ષા યોજનાના લાભાર્થીઓને વીમા પોલિસી અને અંત્યોદય સુરક્ષા યોજનાના લાભર્થીને રૂ. 10,00,000/- નાં દાવા પેટે ચેક અર્પણ કરાયા. સાથે જ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકોને અયોધ્યા રામમંદિરનો પ્રસાદ અને પોસ્ટ વિભાગ દ્વારા અયોધ્યા મંદિર નિર્માણ પ્રસંગે ખાસ બહાર પાડેલ ભગવાન શ્રી રામની ટીકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય અને કપડવંજ ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક ઉદ્વબોધન કરી પોસ્ટ વિભાગના કર્મચારીઓને સકારાત્મક અભિગમથી કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહુધા ધારાસભ્ય, માતર ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, સાઉથ ગુજરાત રીજનના પોસ્ટ ડીપીએસ એસ. શિવરામ, બીએપીએસ મંદિરના મહંતશ્રી સર્વમંગલ કોઠારી સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા કલેક્ટર કચેરી અને પંચાયત વિભાગના અધિકારીઓ, પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના સરપંચઓ, યોજનાકીય લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)