શહેરમાં 7મી જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા((Rathyatra) નીકળશે. જેની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ(Jamalpur Jagannath mandir) મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળભદ્રજી ત્રણ જાગ્યાએથી મંગાવેલા કાપડમાંથી બનેલા વિશેષ વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે એવુ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યુ હતું.
તેમણે વધુમા જણાવ્યુ હતુ કે આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી 147મી રથયાત્રાની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ 22મી જુને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જે વાઘા ધારણ કરશે તે માટેનું મટિરીયલ મથુરા, વૃંદાવન અને ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યું છે. આ વખતે ભરત કામ અને ઝરી કામ કરેલા વાઘા ધારણ કરી ભગવાન નગરચર્યાએ નીકળશે.
સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિને ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિભાવમય વાતાવરણમાં લોકોત્સવ સ્વરૂપે નીકળશે. તે પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે તા. 22મી જુન 2024એ શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન શ્રીજગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે.