ભારતભરમાં મહાબલી હનુમાનજીની ઉપાસના પ્રાચીનકાલથી ચાલે છે અને હનુમાનજીના અનેક પવિત્ર ધામો દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં છે.
સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. “અકળામુખી” શબ્દનો અર્થ છે – જેનું મુખ (ચહેરું) એક અનન્ય દિશામાં હોય, અને આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા અનોખી છે.
આ મંદિર ખાસ કરીને કષ્ટભંજન સ્વરૂપે હનુમાનજીના ઉપાસકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે અહીં પ્રાર્થના કરનારા ભક્તોની બધી જ કઠિનતાઓ દૂર થાય છે અને તેઓને મનશાંતિ પ્રાપ્ત થાય છે.
અકળામુખી હનુમાનદાદાના મંદિરે દાદાના દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. લોકોએ હનુમાનજીના સિંદૂર સ્વરૂપના દર્શન કર્યા હશે, સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન કર્યા હશે પણ હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી છે તે અકળામુખી હનુમાનજીના મંદિરે કરી શકાય છે. કડોદરાના દિવ્ય સ્થાનકે હનુમાનજીની અગિયારમુખી પ્રતિમાના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે.
અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતમાં આવેલા કડોદરામાં બિરાજમાન અકળામુખી હનુમાનદાદાના મંદિરે શનિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડે છે. સતત વ્યસ્ત રહેતા માર્ગ પર મંદિર આવેલુ છે તો પણ અહીં ભક્તો શાંતિનો અહેસાસ કરે છે. દૂરદૂરથી આવતા ભક્તો જ્યારે પણ આ માર્ગ પરથી નીકળે તો મંદિરે આવીને દાદાના દર્શન કરવાનું ભૂલતા નથી.
ભક્તોની આસ્થા છે કે આ સ્થાન પર અકળામુખી હનુમાનજીની કૃપા છે અને આથી જ તેઓ જ્યારે પણ મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે તેમની તમામ મુશ્કેલીઓનો આપમેળે અંત આવી જાય છે.વર્ષોથી અકળામુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અગિયાર મુખવાળા દાદાના ચરણે જતા જ દૂખદારિદ્ર દૂર થાય છે.
આમ તો અકળામુખી હનુમાન દાદાનુ મંદિર અનેક વર્ષ પ્રાચીન છે પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી આ દિવ્ય મંદિરનો ભવ્ય જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા સાથે દર શનિવારના રોજ મંદિરે માનવમહેરામણ ઉમટે છે.અકળામુખી હનુમાનજીના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ અને માટીની છે. મંગળવારે અને શનિવારે દાદાને તેલ ચઢાવવાથી શનિની પનોતી ઉતરે છે.દાદાના મંદિરે નાશિક અને મુંબઈથી પણ લોકો માનતા પૂર્ણ કરવા આવે છે.
લોકવાયકા પ્રમાણે ગામની બહાર ગ્રામજનો ગાયો ચરાવવા આવતા હતા ત્યાં રોજ એક ગાય માથુ મારતી હતી તે જોઈ ગ્રામજનોએ ત્યાં જમીન ખોદી તો ત્યાં હનુમાનજીનું એક મુખ પ્રગટ થયુ હતું અને ત્યાર બાદ દર ત્રણ વર્ષે એક એક મુખ પ્રગટ થતુ હતું. અને ૩૩ વર્ષે હનુમાનજીના કુલ 11 મુખ પ્રગટ થયા હતા.
શ્રાવણ મહિનાના દર શનિવારે મંદિરે મેળો ભરાય છે આશરે ચાલીસથી પિસ્તાલીસ હજાર દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લ્હાવો લેય છે. ભાવિકો દાદાને નારિયેળ અને લીંબુ મરચા ચડાવે છે.
અકળામુખી હનુમાન મંદિર ૭૦૦ થી ૮૦૦ વરસ પૌરાણિક હોવાનું મનાય છે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયલા છે.મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.ભક્તો દાદા પાસે સાચા મનથી જે પણ મનોકામના રાખે છે તે મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે.દાદાના દર્શને દેશ વિદેશથી પણ ભાવિકો આવે છે.
ભક્તોની આસ્થા અનુસાર મહાબલિના સૌથી રૌદ્ર સ્વરૂપમાના એક સ્વરૂપમાં અકળામુખી હનુમાનજીના ગણના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વાપીથી તાપીનો વિસ્તાર એ પરશુરામની ભૂમિ ગણાવાયો છે. જ્યાં મહાદેવ અને હનુમાનજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને આવું જ એક દિવ્ય મંદિર એટલે અકળામુખી હનુમાનજીનું દિવ્ય સ્થાનક.