ગુજરાત સરકાર શિક્ષણ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હકીકત કંઈક જુદી જ દેખાઈ રહી છે. નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી એકમાત્ર શિક્ષક ગેરહાજર રહેતા 53 બાળકોનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે. આ સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં કુલ 53 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને સમગ્ર શાળાની જવાબદારી સરકાર દ્વારા નિમાયેલા માત્ર એક જ શિક્ષક પર છે. છેલ્લા બે દિવસથી આ શિક્ષક શાળાએ હાજર નથી, જેના કારણે બાળકો વર્ગખંડમાં ભણવા બદલે નિરર્થક રીતે રઝળી રહ્યા છે. શાળામાં કોઈ વિકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે ભણતર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
વિચિત્ર વાત એ છે કે મધ્યાહન ભોજનના સંચાલકો પોતાની ફરજ નિભાવતાં રોજ શાળાએ આવે છે અને સમયસર ભોજન તૈયાર કરે છે, પરંતુ બાળકોને ભણાવનાર શિક્ષક જ ગાયબ રહે છે. પરિણામે બાળકો માત્ર ભોજન પૂરતું શાળાએ આવે છે, પરંતુ શિક્ષણથી વંચિત રહે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે જાહેર રજા કે તહેવાર પહેલાં શિક્ષક પોતાની મરજી મુજબ એક-બે દિવસ વહેલા ગાયબ થઈ જાય છે અને રજા પૂર્ણ થયા પછી પણ મોડા શાળાએ આવે છે. શાળા અંતરિયાળ વિસ્તારમાં હોવાથી શિક્ષણ વિભાગની દેખરેખ કે તપાસ ભાગ્યે જ થાય છે, જેના કારણે આવા બેદરકાર શિક્ષકોને ખુલ્લો મેદાન મળી જાય છે.
સ્થાનિક લોકોનો દુખદ પ્રશ્ન છે કે, “અમારા બાળકો ભણવા ઇચ્છે છે, પરંતુ જ્યારે શિક્ષક જ હાજર નહીં રહે તો તેઓ શું શીખશે?” ગ્રામજનોએ શાળાની હાલતનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને શિક્ષણ વિભાગ તેમજ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. હાલની પરિસ્થિતિ એવી છે કે ઘણા બાળકોને પોતાનું નામ લખતા પણ આવડતું નથી.
આ ગંભીર બેદરકારી અંગે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે રૂઢિચૂસ્ત જવાબ આપતાં કહ્યું કે, “આ બાબતે તપાસ કરાવું છું.” સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત આવી રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ તપાસ માત્ર કાગળ પર જ સીમિત રહે છે અને પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી.
એક તરફ રાજ્ય સરકાર શાળાઓને આધુનિક બનાવવા ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ રામાપ્રસાદી જેવી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનો પણ ઘોર અભાવ જોવા મળે છે. જો પાયાનું શિક્ષણ જ ન મળે, તો આદિવાસી વિસ્તારના બાળકોના વિકાસ અને સમાન અવસરના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel