છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વહન અને ખનીજના સંગ્રહ સામે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટર ગાર્ગી જૈનની દિશાનિર્દેશ હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે કાર્યવાહી તેમજ દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નવેમ્બર 2025 સુધીમાં જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિના કુલ 953 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષ નવેમ્બર 2024 સુધીમાં આ આંકડો 474 હતો. સાથે જ દંડ વસુલાતમાં પણ દોગણાથી વધુ વધારો થયો છે. વર્ષ 2024માં રૂ. 644.78 લાખની વસુલાત સામે 2025માં રૂ. 1290.44 લાખની નોંધપાત્ર વસુલાત કરવામાં આવી છે, જે પ્રશાસનની સક્રિયતા દર્શાવે છે.
જિલ્લા પ્રશાસન દ્વારા ખાણ લીઝ, ક્વેરી અને બ્લોક્સનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ગેરરીતિ સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવનાર સમયમાં ક્વેરી, બ્લોક અને સ્ટોકની માપણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. પ્રશાસને સ્પષ્ટ જણાવ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ અને કાયદાના કડક અમલ માટે ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ જરૂરી છે. કાયદાનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel