વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ) એ ૨૦૨૩ માટે તેના વેપાર વૃદ્ધિ અનુમાનને ઘટાડીને ૦.૮ ટકા કરી દીધું છે. વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી વચ્ચે આ અંદાજ ઘટાડવામાં આવ્યો છે. ઓર્ગેનાઈઝેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અર્થશાસ્ત્રીઓએ ૨૦૨૨ ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થયેલી મંદી વચ્ચે ૨૦૨૩ માટે વૈશ્વિક વેપારી વેપારમાં વૃદ્ધિ માટેના તેમના અનુમાનમાં ઘટાડો કર્યો છે.
નિવેદન અનુસાર, ‘આ વર્ષે વિશ્વ વેપારી વેપારનું પ્રમાણ ૦.૮ ટકાના દરે વધવાનો અંદાજ છે. જે એપ્રિલમાં ૧.૭ ટકા વૃદ્ધિની આગાહી કરતાં આ અડધા કરતાં પણ ઓછો છે.જો કે, ઓર્ગેનાઈઝેશને ૨૦૨૪ માટે તેની ૩.૩ ટકા વૃદ્ધિની આગાહી જાળવી રાખી છે.
૨૦૨૨ ના ચોથા ક્વાર્ટરમાં વિશ્વ વેપાર અને ઉત્પાદનમાં અચાનક મંદી આવી હતી. તેનું કારણ ફુગાવો સતત ઊંચો રહેવા અને ફુગાવાને અંકુશમાં લેવા માટે કડક નાણાકીય નીતિની અસર છે. તદુપરાંત, ચીનમાં પ્રોપર્ટી માર્કેટમાં દબાણે કોવિડ પછીના પુનરુત્થાનને મજબૂત રહેવાથી અટકાવ્યું છે.
આ બધા મુદ્દાની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધની અસર વેપારના માહોલ પર પણ પડી છે. વેપારમાં મંદી સર્વાંગી જણાય છે. તે મોટી સંખ્યામાં દેશો અને માલસામાનની વિશાળ શ્રેણીને આવરી લે છે. ધીમી પરંતુ સ્થિર જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિ સાથે આવતા વર્ષે વેપાર વૃદ્ધિમાં વેગ આવવાની ધારણા છે.