કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આજે ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે.
આ નવા બિલને સંસદમાં મંજૂરી મળી તો તે ફોરેનર્સ ઍક્ટ, 1946, પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઇન્ડિયા) ઍક્ટ, 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ ઍક્ટ, 1939 અને ઇમિગ્રેશન (કરિયર લાયબિલિટી) ઍક્ટ, 2000નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરવા, ઇમિગ્રેશન પર નિયંત્રણો લાદવા તેમજ વિદેશીઓના પ્રવેશ અને રોકાણ શરતોને વધુ કડક બનાવવાનો છે.
કેન્દ્રીય રાજ્ય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તરફથી આ બિલ રજૂ કરતા કહ્યું હતું કે, હું અમિત શાહ તરફથી પ્રસ્તાવ મૂકી રહ્યો છું કે, ભારતમાં પ્રવેશ અને બહાર જનારા વ્યક્તિઓના પાસપોર્ટ અને દસ્તાવેજોની જરૂરિયાતોને નિર્ધારિત કરતાં કેન્દ્ર સરકાર અમુક સત્તાઓ સોંપશે, તેમજ વિદેશીઓ દ્વારા ઇમિગ્રેશન કાયદાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખતી જોગવાઈઓ ઘડવામાં આવશે. જેમાં વિઝા અને રજિસ્ટ્રેશનની જરૂરિયાત સામેલ છે.
ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ – મુખ્ય મુદ્દાઓ
વિદેશી નાગરિકો માટે કડક નિયમો:
- રાષ્ટ્રની સુરક્ષા, સાર્વભૌમત્વ અને એકતા માટે જોખમરૂપ વિદેશીઓને પ્રવેશ મંજૂર નહીં.
- વિદેશીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત: પ્રતિબંધિત અને સુરક્ષિત વિસ્તારોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન જરૂરી.
- શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ માટે ફરજ: તેઓએ પોતાને ત્યાં દાખલ થયેલા વિદેશી નાગરિકોની માહિતી ઇમિગ્રેશન ઓથોરિટીને આપવી પડશે.
સજા અને દંડની જોગવાઈઓ:
- પાસપોર્ટ/વીઝા વિના પ્રવેશ: 5 વર્ષની જેલ અને ₹5 લાખ દંડ.
- નકલી દસ્તાવેજોથી પ્રવેશ: 2-7 વર્ષની જેલ અને ₹1-10 લાખ દંડ.
- વિઝાની શરતોનો ભંગ: 3 વર્ષની જેલ અને ₹3 લાખ દંડ.
વિપક્ષનો વિરોધ:
- કોંગ્રેસ: મનિષ તિવારીએ કહ્યું કે આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
- TMC: સૌગત રાયે દાવો કર્યો કે દેશમાં પહેલાથી જ 4 ઇમિગ્રેશન કાયદા છે, તો નવું બિલ શા માટે?