ઇસ્લામિક દેશ તજિકિસ્તાને કટ્ટરવાદ સામે મોટો નિર્ણય લીધો છે. દેશમાં છેલ્લા 30 વર્ષથી સત્તા પર રહેલા સરમુખત્યાર ઈમોમાલીએ દેશની મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે મોટી દાઢી રાખવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નિયમોનું પાલન ન કરવા બદલ દંડ અને સજાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ઈમોમાલીનું માનવું છે કે નવો કાયદો દેશમાં કટ્ટરવાદનો ફેલાવો અટકાવશે.
વાસ્તવમાં, મુસ્લિમ દેશ તજિકિસ્તાન અફઘાનિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદોથી ઘેરાયેલો છે. હાલમાં આ દેશ આતંકવાદી ઘટનાઓને કારણે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ છે. માર્ચ 2024 માં રશિયાની રાજધાની મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલામાં તાજિક મૂળના 4 આતંકવાદીઓની સંડોવણી પછી સરકારે દેશમાં ઇસ્લામિક ડ્રેસ અને ઓળખને દૂર કરવાનું શરૂ કર્યું છે.
સરકારના નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ધાર્મિક કટ્ટરવાદને અંકુશમાં લેવાનો હોવાનું કહેવાય છે. તજિકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, જ્યાં 98 ટકા વસ્તી ઇસ્લામને અનુસરે છે. ત્રણ દાયકાથી સત્તામાં રહેલા સરમુખત્યાર ઈમોનાલી રહેમોન માને છે કે ઈસ્લામની જાહેર ઓળખ પર અંકુશ લગાવવાથી રૂઢિચુસ્ત ઈસ્લામને નબળા પાડવામાં મદદ મળશે. આનાથી ઇસ્લામિક ઉગ્રવાદમાં પણ ઘટાડો થશે.
પગારથી અનેકગણો વધારે દંડ
નવા કાયદામાં સરકારે જાહેર સ્થળોએ દાઢી કાપવાનો આદેશ જાહેર કર્યો છે. આ માટે સરકારે મોરલ પોલીસ તૈનાત કરી છે. તેમજ કાયદાનું પાલન ન કરવા બદલ 1 લાખ રૂપિયાથી વધુનો દંડ અને સજાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજીતરફ તજિકિસ્તાનની આર્થિક સ્થિતિની વાત કરીએ તો દેશમાં સરેરાશ માસિક પગાર 15 હજાર રૂપિયાની આસપાસ છે. જેના કારણે દેશમાં દંડને લઈને વ્યાપક ટીકા થઈ રહી છે.
શિક્ષિકાએ વ્યક્ત કરી આપબીતી
રાજધાની દુશાન્બેની એક શિક્ષિકા નીલોફરના જણાવ્યા અનુસાર, પોલીસે તેને ત્રણ વખત હિજાબ ઉતારવા કહ્યું, જ્યારે તેણે હિજાબ ઉતારવાની ના પાડી તો પોલીસે તેને રાતભર પોલીસ સ્ટેશનમાં રાખી. એ જ રીતે તેમના પતિએ પણ એકવાર દાઢી કાપવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેમને 5 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. પોતાની કારકિર્દી પર વિપરીત અસરોના ડરથી નિલોફરે હવે હિજાબ પહેરવાનું બંધ કરી દીધું છે.
હિઝાબ બેન પર વિશેષણોનો મત
નવા કાયદાને કારણે દેશમાં અસંતોષ વધી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે આ પદ્ધતિ તેને રોકવાને બદલે કટ્ટરપંથીને વધુ ઉશ્કેરી શકે છે. માનવ અધિકાર નિષ્ણાત લારિસા એલેક્ઝાન્ડ્રોવાએ જણાવ્યું હતું કે સરકાર ગરીબી, ભ્રષ્ટાચાર અને સામાજિક અસમાનતા જેવી વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવાને બદલે ઉપરછલ્લી પગલાં લઈ રહી છે. ઈમોમાલી સરકારનું ધ્યાન ખોટી દિશામાં છે.