નડિયાદની એક સરકારી ગ્રાન્ટેડ શાળામાં સાવ ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડના પરિણામોમાં મેદાન માર્યું.
રોજ કમાઈને રોજ ખાતા ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલની સામાન્ય ફી માંડ થતી હોય ત્યાં પર્સનલ કે ગ્રુપ ટ્યુશનની તો વાત જ ક્યાં? છતાં માત્ર શાળાના જ વર્ગમાં ભણીને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામો મેળવનાર સ્ટુડન્ટ્સની અનોખી કહાની નડિયાદની એક ગ્રાન્ટેડ શાળામાં જોવા મળી છે.
નડિયાદના મીલ રોડ પર આવેલી ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સોની હર્ષવી 99.25 પર્સન્ટાઈલ રેન્ક સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા ગોપાલભાઈ ફરસાણની છૂટક લારી ચલાવે છે. વળી તેમના એક જ ઘરમાં છ વ્યક્તિનો પરિવાર પાલવે છે.
આ જ રીતે મીલ રોડ વિસ્તારમાં મજૂર ગામમાં આવેલ સામાન્ય ધંધો કરીને પરિવહનનું ગુજરાન ચલાવતા શેખ અબ્દુલ રહીશના દિકરી રુકસાર 93.16 પર્સન્ટાઈલ રેન્ક સાથે A2 ગ્રેડ મેળવ્યો છે. તેઓ પણ ગ્રાફિક્સ ડિઝાઇનનો સામાન્ય વેપાર કરે છે.
આજ શાળાના તળપદા જીતેન્દ્રએ 89.53 પર્સન્ટાઇલ રેન્ક સાથે A2 ગ્રેડ મેળવ્યો છે. જીતેન્દ્રના પિતા મહેશભાઈ છૂટક મજૂરી કરે છે. રોજના ₹200 કમાતા આ પિતાએ સાવ સામાન્ય મકાનમાં રહીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. જીતેન્દ્રનું આ પરિણામ જીવનમાં ઉમીદનું એક નવું કિરણ પ્રગટાવે છે.
આ રીતે સરકારી ગ્રાન્ટેડ શાળામાં, ઘરની સાવ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે, કોઈપણ પ્રકારની એક્સ્ટ્રા સગવડો, ટ્યુશન કે મટીરીયલ વગર, માત્ર સરકારી શાળાના શિક્ષકો સાથે ભણીને જિલ્લામાં A1 અને A2 જેવા ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે પ્રતિભાવ આપતા શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એ કહેવત અમારા સ્ટુડન્ટ્સે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે.