ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં આજે ગુરુવારે (13 ફેબ્રુઆરી) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમની સાથેની આ પ્રથમ મુલાકાત રહેશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી મુલાકાતમાં ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો, સુરક્ષા અને ઉર્જા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશ વચ્ચે એક મોટી ડિફેન્સ ડીલ પણ થઈ શકે છે.
અમેરિકાના મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને મજબૂત નેતા ગણાવતા બંને નેતા વિદેશ નીતિમાં સારા હોવાનું જણાવ્યું છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખમાં જણાવ્યું હતું કે, ‘વોશિંગ્ટન જવાની તૈયાર કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના સંબધોને આગળ ધપાવવાની વાત કરી છે. પરંતુ ટ્રમ્પ એવા મિત્ર છે કે, જેમના વલણ વિશે નિશ્ચિત નિવેદન આપી શકાય નહીં. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર વધારવા માટે વાતચીત થઈ શકે છે. વિદેશી બાઇક પર ટેરિફ ઘટાડવા તેમજ ટેરિફ વોરના લીધે થતાં નુકસાન પર ચર્ચા થઈ શકે છે.’
‘ગેરકાયદે ઇમિગ્રેશન તણાવનો મુદ્દો રહ્યો છે. ભારત સરકારે પણ સ્પષ્ટતા આપી છે કે, તે ગેરકાયદે વસતાં ભારતીયોને પાછા મોકલવામાં અમેરિકાને સહયોગ આપશે. જો કે, હાલમાં જ પરત વતન મોકલવામાં આવેલા એક કાફલાના હાથ-પગમાં બેડીઓ બાંધવામાં આવતાં વિવાદ થયો હતો. ભારતમાં તેના પર રાજકારણ ગરમાયું હતું. ટ્રમ્પના અમેરિકામાં વેપાર અને ગેરકાયદે ઇમિગ્રેશન મુદ્દા પર કડક વલણ ભારત માટે માથાનો દુઃખાવો બન્યો છે. જેથી બંને દિગ્ગજ નેતાઓ આ મુદ્દે ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રેશન મુદ્દે ઘણા દેશો પર પ્રતિબંધ તેમજ વધુ ટેરિફ લાદવાની ધમકીઓ આપી છે. પરંતુ હજી સુધી તેમાં ભારતનો ઉલ્લેખ કર્યો નથી.’
દ્વિપક્ષીય વેપાર પર થશે ચર્ચા
અમેરિકાની રેડિયો ચેનલ વોઇસ ઑફ અમેરિકાની ન્યૂઝ વેબસાઇટમાં જણાવ્યું છે કે, ‘બંને દેશો માટે વેપાર અત્યંત મહત્ત્વની કડી છે. ટ્રમ્પે ભારતની વધુ પડતાં ટેરિફની અવારનવાર ટીકા કરી છે. બીજી બાજુ બંને દેશો ચીનનો પ્રભાવ ઘટાડવા માગે છે. વડાપ્રધાન મોદીએ પણ અમેરિકા સાથે સંબંધો સાચવતા પોતાની મુલાકાત પહેલાં જ ફેબ્રુઆરીની શરુઆતમાં અનેક વિદેશી સામાનો પર આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. એક્સપર્ટના હવાલે વધુ જણાવ્યું હતું કે, ભારત માને છે કે, તે આ પ્રકારનું પગલું લઈ વ્યાપાર-વાણિજ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે. પરંતુ ટ્રમ્પ પણ ઉમદા ખેલાડી છે. તેમની અમેરિકા ફર્સ્ટની નીતિ વધુને વધુ પોતાના લોકોનું હિત થાય તેવા પ્રયાસો કરવા પ્રતિબદ્ધ બનાવે છે. જેથી બંને દેશોના વડા પોતાના લાભોને ધ્યાનમાં રાખતા ચર્ચા કરશે.’
ભારત હથિયારોની ખરીદી ઘટાડે તેવી ભીતિ
આગળ લેખમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા સતત ચિતિંત છે કે, ભારત તેની પાસેથી હથિયારોની ખરીદી અટકાવી દે નહીં. આથી તે ભારત પર વધુને વધુને હથિયારો ખરીદવા પ્રેશર કરશે. ચીનનો વધતો પ્રભાવ બંને દેશોને સ્વીકાર્ય નથી. જેથી બંને દેશ ચીનની સરહદોને બાંધવા માટે એક-બીજા સાથે મિત્રતા ગાઢ કરી શકે છે.’
ભારત ટેરિફ કિંગના ટાઇટલથી બચવાનો પ્રયાસ
વધુ એક અંગ્રેજી અખબાર વોલ સ્ટ્રીટ જનરલે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર પ્રકાશિત કરેલા લેખમાં હેડિંગ અપાયું છે કે, ‘ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ બોલાવે છે, અને મોદી આ ટાઇટલથી બચવા માગે છે.’ ઉલ્લેખનીય છે, ભારત જેટલો પણ સામાન અન્ય દેશો પાસેથી ખરીદે છે, તેના પર 14 ટકા ટેરિફ લાદે છે, જ્યારે ચીન 6.5 ટકા અને કેનેડા 1.8 ટકા ટેરિફ લગાવે છે. જેથી ટ્રમ્પની ટેરિફ નીતિ ‘જૈસે કો તૈસા’નો શિકાર ભારત બની શકે છે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, જેટલા પણ દેશો તેની પાસેથી મોટાપાયે ટેરિફ વસૂલી રહ્યા છે, તેમની વિરુદ્ધ હું ટેરિફ વોર જાહેર કરીશ. ભારત એ ટેરિફ કિંગ છે. જો કે, વડાપ્રધાન મોદીની આ મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થઈ ઉકેલ લાવવાનો રસ્તો શોધાશે.